લોડર્સ: લોડર્સના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે ત્યારે કેટલાક રેકોર્ડ પણ ભારતીય બેટ્સમેનોની નજર રહેશે.
લોડર્સના મેદાનની વાત આવતાની સાથે જ ભારતના સ્ટાર બેટ્સમેન દિલીપ વેગસરકરની યાદ આવી જાય છે. વેંગસરકરે આ મેદાન પર ત્રણ સદી ફટકારી છે. આ મેદાન પર મહાન ખેલાડી સચિન તેન્ડુલકર અને સુનિલ ગાવસ્કર પણ સદી કરી શક્યા નથી.
આ મેદાન પર ભારત તરફથી સૌથી વધુ ૧૮૪ રનનો રેકોર્ડ રહ્યો છે. વીનુ માંકડે વર્ષ ૧૯૫૨માં આ મેદાન પર ૧૮૪ રનની ઇનિગ્સ રમી હતી. ત્યારબાદથી છેલ્લા ૬૬ વર્ષના ગાળામાં આ રેકોર્ડ સુધી કોઇ ભારતીય બેટ્સમેન પહોંચી શક્યો નથી. વેંગસરકરે આ મેદાન પર ત્રણ સદી કરી છે. રવિ શાસ્ત્રી અને અઝહરુદ્ધીન પણ આ મેદાન પર સદી કરી શક્યા છે. રાહુલ દ્રવિડ પણ એક સદી કરી શક્યો છે. આશ્ચર્યની વાત છે કે સુનિલ ગાવસ્કરે આ મેદાન પર ૧૦ ઇનિગ્સ રમી છે અને તે ૩૭૬ રન જ કરી શક્યો છે. આવી જ રીતે સચિન તેન્ડુલકર આ મેદાન પર નવ ઇનિગ્સ રમી ચુક્યો છે જેમાં ૧૯૫ રન જ કરી શક્યો છે. જે દર્શાવે છે કે આ મેદાન પર ભારતીય બેટ્સમેનો વધારે લાંબી ઇનિગ્સ રમી શક્યા નથી.
બીજી બાજુ વર્તમાન ઇંગ્લેન્ડની ટીમની વાત કરવામાં આવે તો આ ટીમમાં રહેલા પાંચ બેટ્સમેનો આ મેદાન પર સદી કરી ચુક્યા છે. રૂટે આ મેદાન પર ૨૦૦ રનની ઇનિગ્સ રમી છે. તે ત્રણ સદી આ મેદાન પર ફટકારી ચુક્યો છે. એલિસ્ટર કુકે આ મેદાન પર ચાર સદી કરી છે. તેનો સર્વોચ્ચ જુમલો ૧૬૨ રનનો રહ્યો છે. સ્ટુઅર્ટ બ્રોડ, બેરશો, બેન સ્ટોક્સ પણ અહીં સદી કરી ચુક્યા છે.