અમદાવાદ : સહકારી ક્ષેત્રમાં પગદંડો જમાવી રહેલી વસ્ત્રાપુર સ્થિત વિનાયક સહકારી બેંક લિ. તેની સામાજિક પ્રવૃત્તિઓ અને સેવા થકી પણ લોકપ્રિય બની રહી છે. ખાસ કરીને બેંક દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને પ્રકોપ વચ્ચે ચામડી બાળી નાંખતા ભરતડકામાં ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને શહેરના નાગરિકો માટે એકદમ ઠંડા પાણીની પરબો અને ટ્રાફિક કર્મચારીઓ માટે ગરમીથી રક્ષણ આપતી શેડ જેવી છત્રીઓ આપી અનોખી સેવા શરૂ કરવામાં આવી છે.
વિનાયક સહકારી બેંક દ્વારા શહેરના એનએફડી સર્કલ, બોડકદેવ ચાર રસ્તા, એઇએસ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારમાં ટ્રાફિક સંચાલન અને નિયમનની ભરતડકામાં ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ગરમીથી રક્ષણ પૂરું પાડતી વિશાળ છત્રીઓ અને શહેરીજનો માટે વિનામૂલ્યે પીવાના ઠંડા પાણીની સેવાની અનોખી પહેલ કરી અન્ય બેંકો અને નાણાંકીય સંસ્થાઓને જાણે પ્રેરણા પૂરી પાડી છે. સામાજિક સેવા અને ગ્રાહકોને ઉત્કૃષ્ટ સુવિધા પૂરી પાડવાના ધ્યેય સાથે વિનાયક સહકારી બેંક દ્વારા ૨૦૧૯ના અંત સુધીમાં અમદાવાદ શહેરમાં બાપુનગર, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં નવી શાખાઓ ખોલવાનું પણ આયોજન છે એમ અત્રે બેંકના જનરલ મેનેજર કિર્તીભાઇ જી.શાહ અને આસીસ્ટન્ટ જનરલ મેનેજર કાંતિલાલ ગામેતીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં બેંક દ્વારા સુરત ખાતે પણ શાખા ખોલી બેંકનું નેટવર્ક વિસ્તારવાનું પ્લાનીંગ છે. વિનાયક બેંક પાસે હાલ રૂ.૧૩ કરોડથી વધુની ડિપોઝીટ છે અને અને રૂ.૯ કરોડની લોન ધિરાણ કરેલી છે. બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝીટ પર ખાસ કરીને સિનિયર સીટીઝન્સને આકર્ષક વ્યાજ દર, લાઇટબીલ, ટેલિફોન બીલ, ફ્રેન્કીંગ, ડિશટીવી સહિતના રિચાર્જ, અન્ય પેમેન્ટ સહિતની અનેકવિધ ગ્રાહકોને બહુપયોગી સેવાઓ પણ ઉપલબ્ધ બનાવે છે. સહકારી અને બેંકીંગ પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક સેવા અને પહેલના અભિગમ વિશે બેંકના જનરલ મેનેજર કિર્તીભાઇ જી.શાહ અને આસીસ્ટન્ટ જનરલ મેનેજર કાંતિલાલ ગામેતીએ જણાવ્યુ કે, ઉનાળાની કાળઝાળ ગરમી અને ચામડી બાળી નાંખે તેવા ધમધોખતા તાપમાં પણ ટ્રાફિક પોલીસ જવાનો અને કર્મચારીઓ સતત ઉભા રહી પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે તેમની ભરતડકામાં કપરી કામગીરી અને નિષ્ઠાથી પ્રભાવિત થઇ એક સેવાનો વિચાર આવ્યો અને તેથી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને શહેરના નાગરિકો માટે વિનામૂલ્યે પીવાના ઠંડા પાણીની પરબો ખોલવાનું બેંક દ્વારા આયોજન કરાયું. જેમાં પ્રાથમિક તબક્કે વસ્ત્રાપુર-બોડકદેવ વિસ્તારમાં એનએફડી સર્કલ, બોડકદેવ ચાર રસ્તા, એઇએસ ગ્રાઉન્ડ અને અન્ય વિસ્તારમાં ઠંડા પાણીની પરબો શરૂ કરાઇ છે. તો, ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ગરમીથી રક્ષણ મળે અને તેમને રાહત થાય તે હેતુથી તેઓ માટે ખાસ વિશાળ અને મજબૂત શેડ જેવી છત્રીઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે વસ્ત્રાપુર, બોડકદેવ વિસ્તારમાં ઠંડા પાણી અને છત્રીઓની સેવા અમલી બનાવાઇ છે, ત્યારબાદ અન્ય વિસ્તારોમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવાનું બેંકનું આયોજન છે એમ તેમણે ઉમેર્યું હતું.