અમદાવાદ : ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.૨૬૦ કરોડના કૌભાંડી વિનય શાહની નેપાળ પોલીસે ધરપકડ કર્યા બાદ તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જે મુજબ, ગુજરાતના મહાઠગ વિનય શાહ અને તેની સાથે નેપાળમાં ઝડપાયેલી યુવતી ચંદા થાપા વચ્ચે અંગત સંબંધો છે અને ચંદા થાપ જ તેને ભગાડી દિલ્હીથી નેપાળ લઈ ગઈ હતી. બંનેએ પતિ-પત્ની બનીને દુબઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહી, નેપાળમાં પકડાઇ ના જાય તે માટે બંને જણાં પતિ-પત્ની બનીને ત્યાં રહેતા હતા, પરંતુ તો ય બંને જણાં રંગેહાથ પકડાઇ જ ગયા.
નેપાળ પોલીસ દ્વારા ગુજરાતના મહાઠગ વિનય શાહની ધરપકડ અને તપાસ બાદ હવે એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં બહાર આવેલી વિગતો મુજબ, વિનય શાહ અને તેની મહિલા સાથી ચંદા થાપાએ નેપાળમાં એક મકાન પણ ખરીદ્યું હતું. ચંદાએ ગુજરાતમાં અમદાવાદમાં પણ તેની સાથે કામ કર્યું હતું. કરોડોનું ફુલેકું ફેરવ્યા બાદ વિનય ગુજરાતથી દિલ્હી ફરાર થયો અને ત્યાંથી બંન્ને નેપાળ નાસી છૂટ્યા. નેપાળમાં ઝડપાઈ જવાના ડરે બંને પતિ-પત્ની બની રહી રહ્યા હતા પરંતુ તેમછતાં પકડાઇ ગયા. તપાસમાં એવી માહિતી પણ સામે આવી છે કે, કરોડોના કૌભાંડી આરોપી વિનય શાહે નેપાળમાં મોટાપાયે ઇન્વેસ્ટમેન્ટ કરવાની યોજના પણ બનાવી હતી. ગુજરાત અને ભારતમાં આચરેલા કૌભાંડની રકમ તે નેપાળમાં ઇન્વેસ્ટ કરવાનું પ્લાનીંગ ધરાવતો હતો. જેમાં ચંદાને પત્ની બનાવવા અને ઈન્વેસ્ટમેન્ટ માટે નકલી ડોક્યુમેન્ટ ઉભા કરવાનું પ્લાનીંગ ચાલી રહ્યું હતું.
નકલી ડોક્યુમેન્ટ બનાવવા માટે નેપાળની કરન્સીની જરૂર હતી આ માટે મની એક્સચેન્જ કરાવવા જતાં તે નેપાળ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો અને આટલા દિવસોથી પોલીસ સાથેની તેની છૂપાછૂપીના ખેલનો અંત આવ્યો હતો. આ સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઇમને છેલ્લું લોકેશન ઇસ્ટ દિલ્હી મળ્યું છતાં પકડી શકી ન હતી, એટલે કે, એક રીતે સીઆઇડી ક્રાઇમની નિષ્ફળતા આ કેસમાં સામે આવી હતી. કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને આપી ત્યારે વિનયના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરી હતી. સીઆઈડીને તેનું છેલ્લું લોકેશન ઇસ્ટ દિલ્હીનું મળ્યું હતું. પોલીસે અસરકારક રીતે ત્યાં તપાસ જ ન કરતા વિનય હાથમાં આવ્યો ન હતો અને નેપાળ ભાગવામાં સફળ રહ્યો. તે નેપાળ ભાગી ગયો હોવાની માહિતી સીઆઈડી પાસે હોવા છતાં તેને પકડી ના શકી ઉલ્ટાનું નેપાળ પોલીસે વિનય મની એક્સચેન્જ કરાવવા ગયો ત્યારે તેને ઝડપી લીધો અને નેપાળ પોલીસે અહીંની પોલીસને શાહ પકડાયો હોવાની જાણ કરી.