નવી ટેક્સટાઈલ પોલિસીને ટુંકમાં જાહેર કરાશે : રૂપાણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સંદર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવાની છે. આ પોલિસીને આખરી કરતા પહેલા  મુખ્ય મંત્રીએ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા. વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત ટેક્સટાઇલ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે.

નવી જાહેર થનારી ટેક્સટાઇલ પોલિસીમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન આપ્યા હતા. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, મુખ્ય સચિવ ડો. જે એન સિંહ તેમજ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ તથા ઉદ્યોગ અગ્ર સચિવ  મનોજકુમાર દાસ,  ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ આ બેઠકમાં જોડાયા હતા.

દરમિયાન, પ્રદેશ મીડિયા સેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે વિચાર-વિમર્શ કરી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીની નિમણુંક કરેલ છે.

 

 

Share This Article