નવીદિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે આજે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથે નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજવામાં આવશે તેને લઇને હજુ સુધી કોઇ નિર્મય લેવામાં આવ્યો નથી. ચૂંટણી પંચ તરફથી પણ આજે આ અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જમ્મુ કાશ્મીરમાં હાલ રાજ્યપાલ શાસન છે જેથી ચૂંટણીને લઇને ગણતરી ચાલી રહી હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં હોલ નંબર એકમાં પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચે આજે કાર્યક્રમની જાહેરાત કરી હતી. આની સાથે જ આચારસંહિતા તરત જ અમલી બની છે. હવે કોઇ પોલિસી નિર્ણય લઇ શકાશે નહીં.