સુરતનાં ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા મ્સ્ઉ, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
અમુક વિદ્યાર્થીઓએ આ રેલી દરમિયાન હાથમાં ફાયર ગન જેવા હથિયારો સાથે કારના દરવાજા પર લટકીને સ્ટંટ કર્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાથી સુરત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસને આ રેલીની જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.વિદ્યાર્થીઓએ જાહેર માર્ગો પર સ્ટંટ કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની બેફામ ડ્રાઇવિંગ અને સ્ટંટના કારણે અકસ્માત થવાની પણ શક્યતા છે.
સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટેન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા સાથેના વીડિયો વાયરલ થયા બાદ, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. અમીતા વાનાણી એ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તમામ કાર નંબર અને માહિતી મંગાવવામાં આવી છે અને મોટર વાહન અધિનિયમ (સ્ફ એક્ટ)ની કલમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમીતા વાનાણી એ સ્પષ્ટ કર્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.