અમદાવાદ: પાલડી વિસ્તારમાં એક દારુડિયાઓએ ટલ્લી થઈને ખેલ નાખ્યો હતો. પોલીસને એક બબાલનો મેસેજ મળતા પોલીસ માથાકૂટ કરનારને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં અટકાયત કરેલા લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને પોલીસ સ્ટેશન માથે લીધું હતું. જોકે, પોલીસે માત્ર પ્રોહીબિશનનો ગુનો નોંધી પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કરવા મામલે કાર્યવાહી ન કરીને સંતોષ માન્યો છે. આ અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું વાયરલ થયેલા એક વીડિયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બે શખ્સો પાલડી પોલીસ સ્ટેશનના કેમ્પસમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓને બિભત્સ શબ્દો બોલીને ઝઘડો કરતા નજરે પડ્યા છે. શનિવારે રાત્રે પાલડી પોલીસને ઝઘડા બાબતની જાણ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
જે પાલડી પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પોલીસની હાજરીમાં દારૂ પીધેલી હાલતમાં નિલેશ ઉર્ફે કાંચો ગુરખા અને ભરત ઉર્ફે બાવલો ઠાકોર બન્ને બિભત્સ શબ્દો બોલીને હંગામો મચાવ્યો હતો. જો કે, પોલીસ બન્ને શખ્સોને પકડીને કસ્ટડી લેવાની બદલે મૂકપ્રેક્ષક બનીને થોડીવાર સુધી તમાશો જોતી રહી હતી. સ્થાનિકોએ મોબાઈલમાં સમગ્ર બનાવનો વીડિયો બનાવી રહ્યા હોવાની પોલીસને જાણ થતા અંતે પાલડી પોલીસે સામાન્ય ગણાય એવો પ્રોહીબિશનનો ગુનો નોંધીને સંતોષ માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે સવાલ એ ઊભો થાય છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કરતા વિચારે. હાલ પોલીસે દારૂનો ગુનો દાખલ કરી તેમની સામે કાર્યવાહી કરી છે ત્યારે બબાલ કેમ થયેલ તે પણ એક મોટો પ્રશ્ન છે?
