‘પીધેલા 15માંથી 10 પટેલ સમાજના હોય,’ સરથાણા મહિલા PSIના નિવેદનથી ખળભળાટ

Rudra
By Rudra 2 Min Read

સુરતનાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા સબ ઇન્સ્પેકટર ઉર્વિશા મેંદપરાનો એક વીડિયો સામે આવ્યો છે. પટેલ સમાજનાં એક કાર્યક્રમ દરમિયાન મહિલા PSIએ સમાજ માટે જે વાત કરી તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં મહિલા PSI એ પટેલ સમાજ અને યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, ‘પટેલ સમાજનાં યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાંથી 10 લોકો પટેલ યુવાનો હોય છે. પાછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો.’

આ મામલે સૂત્રો દ્વારા માહિતી અનુસાર, સુરત ખાતે પટેલ સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરથાણા પોલીસ સ્ટેશનનાં મહિલા PSI ઉર્વિશા મેંદપરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન PSI ઉર્વિશા મેંદપરાએ પટેલ સમાજ અને સમાજનાં યુવાનો અંગે વાત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. PSI ઉર્વિશા મેંદપરાનાં નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને લોકો તેનાં પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મહિલા PSIના આ નિવેદનથી પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પાટીદાર સમાજના લોકો આ નિવેદનને સમગ્ર સમાજનું અપમાન ગણાવી રહ્યા છે અને મહિલા PSI સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

પાટીદાર સમાજના આગેવાનોએ મહિલા PSIના નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેને વખોડી કાઢ્યું છે. “આવું નિવેદન કોઈપણ પોલીસ અધિકારીને શોભતું નથી.” તેને માંગ કરી છે કે, મહિલા PSI તાત્કાલિક માફી માંગે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને પાટીદાર સમાજ આ મુદ્દે આગળ શું પગલાં ભરે છે.

Share This Article