ડભોઈના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીપ્રચારમાં લોકોને જાહેરમાં રૂપિયા વહેચતાનો વીડિયો વાઇરલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વડોદરા જિલ્લાની ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે પ્રચાર દરમિયાન લોકોને નાણાં વહેંચતા દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ડભોઈના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે(ઢોલાર) આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. રવિવારે ભાયલીમાં તેમનો ફેરણીના સમયનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ત્યાં ઊભેલી વ્યક્તિને નાણાં આપતા દેખાય છે. વીડિયોમાં બે લોકોને તેઓ નાણાં આપી રહ્યા છે. આ અંગે ડભોઈના આરઓ આઈ.એચ. પંચાલને પૂછતાં તેમણે વીડિયો અંગેની વાત સાંભળ્યા બાદ કોલ કાપી નાખ્યો હતો. બાલકૃષ્ણ ઢોલારને પૂછતાં તેમણે કહ્યું, તેઓ સભામાં છે. ભાયલીના રહીશ મનોજભાઈએ જણાવ્યું હતું કે મારો નાનો છોકરો છે, તેને લઈને નીકળ્યો હતો. તેણે હાથ મિલાવ્યો હતો એટલે ૫૦ કે ૧૦૦ રૂપિયા આપ્યા હતા. છોકરો રડતો હતો એટલે આપ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલારનો મતદારોને લોભાવવા માટે રૂપિયા આપતો વીડિયો વાઈરલ થયા બાદ તેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) સહિત ૨૫ હોદ્દેદાર, પૂર્વ હોદ્દેદારો, સક્રિય સભ્યો અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલના પુત્રને ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી કરાવી હતી. ગત વિધાનસભાની ચૂંટણી બાદ કોરણે મુકાઈ ગયેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)એ પુત્ર સહજાનંદ પટેલની ભાજપમાંથી ટિકિટ માગી હતી, જે નહિ મળતાં પિતાએ પુત્રને ડભોઈની સીમલિયા જિલ્લાપંચાયતની બેઠક પર અપક્ષ ફોર્મ ભરાવડાવ્યું હતું. આ ઉપરાંત ઢોલારે સીમલિયા ૪ તાલુકાપંચાયત બેઠક માટે ૪ અપક્ષ ઉમેદવાર પણ ઊભા કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી કરાવવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને ડભાઈ બેઠક પરથી ટિકિટ આપી છે.

દર ચૂંટણીએ અલગ-અલગ પક્ષના ઉમેદવારને જિતાડતી (૨૦૧૭ના અપવાદ સિવાય) ડભોઈ બેઠકની રાજકીય સ્થિતિની વાત કરીએ તો ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કર્યા છે. ડભોઈ બેઠક પર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીટ પર ૧૯૯૮થી ૨૦૧૭ સુધી પાટીદાર ઉમેદવાર વિજયી બનતા આવ્યા છે, પરંતુ ૨૦૧૭માં આ સીટ પરથી બ્રાહ્મણ એવા શૈલેષ મહેતા ચૂંટાયા હતા.

Share This Article