અમદાવાદ : વિધાનસભાના બજેટ સત્રનો ગઇકાલે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રારંભ થયા બાદ એક કલાક પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો હતો. આ પ્રશ્નોતરીકાળ દરમ્યાન વિવિધ સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પોલીસના રાજસ્થાનમાંથી દારૂ લાવવાથી લઈ વાઈબ્રન્ટ ગુજરાત સમીટ, તેમાં અંદાજવામાં આવેલી રોજગારી સહિતના અનેક સવાલોનો સમાવેશ થતો હતો.
જો કે, વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન ભાજપની રૂપાણી સરકાર વાયબ્રન્ટ સમીટના અંદાજવામાં આવેલા રોજગારી આંક મુદ્દે બેકફુટ પર આવી ગઇ હતી. સરકાર દ્વારા નિખાલસ સ્વીકાર કરાયો હતો કે, વાઈબ્રન્ટ ગુજરાત સમીટ- ૨૦૧૫ અને ૨૦૧૭માં રોજગારીનો આંકડો સામે આવ્યો છે, તેમાં વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫માં ૨૯,૧૪,૦૦૦ રોજગારીના અંદાજ સામે ફક્ત ૫,૦૪,૪૦૦ રોજગારીનું સર્જન થયું હતુ, જ્યારે ૨૦૧૭ની વાઇબ્રન્ટ સમીટમાં ૪૨,૯૭,૮૦૦ જેટલા રોજગારીના અંદાજ સામે ફક્ત ૩,૦૮,૨૦૦ રોજગારીનું સર્જન થયું હતું.
આમ, રોજગારી મુદ્દે સરકારની નિષ્ફળતા સામે આવી હતી. બીજીબાજુ, ગુજરાત પોલીસ રાજસ્થાનથી દારૂ લાવી હોવાનો ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે સ્વીકાર કર્યો હતો. ગુજરાત પોલીસ સામે થોડા સમય અગાઉ ગુજરાતમાં દારૂ લાવવામાં આવતો હતો. તે સમયે રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસ સામે ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવતા જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, આ અંગેની માહિતી અમારા ડીજીપી પાસે છે અને આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્નોતરીકાળ દરમિયાન મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં જ મહિલાઓ અસુરક્ષિત હોવાનો ખુલાસો થયો છે. વર્ષ ૨૦૧૭માં ૭૪ દુષ્કર્મ અને ૬૮ છેડતીના બનાવો બન્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૮માં ૬૪ દુષ્કર્મ અને ૩૯ છેડતીની ઘટનાઓ સામે આવી છે. જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં દુષ્કર્મના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૩૧ દુષ્કર્મના કેસ હતા, જે ૨૦૧૮-૧૯માં વધીને ૧૮૦ થયા છે. ગાંધીનગરમાં ૨૦૧૭-૧૮માં દુષ્કર્મના ૧૨ કેસ હતા જે ૨૦૧૮-૧૯માં ૧૪ કેસ નોંધાયા છે.