અમદાવાદઃ શહેરની જાણીતી સામાજિક સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા તેના ૧૦માં વાર્ષિકોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સમાજ સેવા થકી મહિલાઓ અને બાળકોના ઉત્થાનને કેન્દ્રમાં રાખી વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી એનેક વિધ પહેલ કરવામાં આવી છે. જે તમામ પહેલ અને સામાજિક કાર્યોની ઉજવણી કરવા માટે વિશેષ રીતે ૧૦માં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આયોજિત આ વાર્ષિકોત્સવમાં સંસ્થાના કો-ફાઉન્ડર નિરવ શાહ દ્વારા વિવિધ પ્રોજેક્ટની ઝાંખી આપવામાં આવી હતી. જેમાં પ્રોજેક્ટ વાત્સલ્ય, પ્રોજેક્ટ વિદ્યા, પ્રોજેક્ટ અન્નપૂર્ણા સહિત અન્ય પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૦ વર્ષની પોતાની સફરમાં સંસ્થા દ્વારા શરૂ કરાયેલા કેટલાક પ્રોજેક્ટ આજે બહોળા જન સમુદાય સુધી પહોંચી ગયા છે તે વિશે જણાવી નિરવ શાહે છેવાડાના માનવી સુધી પહોંચ મેળવવામાં સંસ્થાની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્થાની આ સફરમાં ખભેથી ખભો મિલાવી સાથે રહેનાર વિ હેલ્પ પરિવારના કાર્યકરોને વાર્ષિકોત્સવમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. જેઓએ સંસ્થા સાથેના પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું હતુ કે વિ હેલ્પ ફાઉન્ડેશન એ માત્ર સંસ્થા ન રહેતા એક પરિવારનો અનુભવ આપે છે. સમાજ સેવાના કોઇ પણ નવા વિચાર સાથે આપ સંસ્થાનો સંપર્ક કરો તો તે વિશે સંસ્થા સકારાત્મક રીતે કાર્ય કરી તેના અમલીકરણ માટે હંમેશા તત્પર હોય છે. સંસ્થા સાથે જોડાઇ આપ આપની સમાજ સેવાની ભાવનાને સાકાર કરી શકો છે.
આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર સચિન શાહે પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યું, “સમાજ તરફથી જે કંઇપણ મેળવ્યું છે તેનાથી સવાયુ સમાજને પરત આપવું એ વિચારધારા સાથે જોડાયેલ સંસ્થા એટલે વિ હેલ્પ ફાઉન્ડેશન. મહિલા અને બાળ ઉત્થાન કાર્યોને કેન્દ્રમાં રાખી ૧૦ વર્ષથી સંસ્થા સફળ રીતે પોતાના પથ પર આગળ વધી રહી છે. આજે વિ હેલ્પ સાથે જોડાયેલા અને સક્રિય કાર્યકરોને સન્માનિત કરતા સંસ્થા ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવી રહી છે.”
૧૦ વર્ષની સફરમાં દાતાઓનો આભાર વ્યક્ત કરતા સચિન શાહે વધુમાં જણાવ્યું હતુ કે દાતાઓ તરફથી મળેલ વિશ્વાસ અમારા પ્રોજેક્ટ્સને પાંખ આપનારા સાબિત થયા છે, જેનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે.