ગુજરાતમાં રમત-ગમત સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપવા દેશમાં પ્રથમવાર આ પ્રકારનું સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજનઃ રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પેનલ ચર્ચાઓ, વર્કશોપ્સ, પિચબુક સ્પર્ધા અને એક પ્રદર્શન જેવી ગતિશીલ પ્રવૃત્તિઓનો સમાવેશ
પિચબુક સ્પર્ધાના શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને રૂ. ૨૫ લાખના આકર્ષક રોકડ પુરસ્કારો એનાયત થશે
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાનાર “ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ”ની વિગતો આપતા રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ભારતની અગ્રણી રોકાણ પ્રમોશન સમિટ બની છે. ૧૦મી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે આગામી ૧૧મી ડિસેમ્બરના રોજ “ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ” યોજાશે. ગુજરાત અને ભારતમાં રમત-ગમત સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન અને ટેકો આપવાના ઉદેશ્ય સાથે દેશમાં પ્રથમવાર આ પ્રકારનું સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી સંઘવીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ સ્પોર્ટ્સ બિઝનેસ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવા અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બનશે. આ ઈવેન્ટમાં પેનલ ચર્ચાઓ, વર્કશોપ્સ, પિચબુક સ્પર્ધા અને એક પ્રદર્શન જેવી ગતિશીલ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિચબુક સ્પર્ધાના શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને રૂ. ૨૫ લાખના આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે. જે રમતગમત સાહસિકતા માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વધારશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મુખ્ય ખેલાડીઓને એકસાથે લાવવાનો પ્રકલ્પ ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવને અનન્ય બનાવે છે. આ કાર્યક્રમ માત્ર ચર્ચાઓનો જ નથી, આ કાર્યક્રમ એક ગતિશીલ પ્લેટફોર્મ છે, જ્યાં રમત-ગમતની વ્યાપારી કોમ્યુનિટીના સહયોગ અને ભાગીદારીનું નિર્માણ થશે.
તેમણે ઉમેર્યું હતું કે, આ ઈવેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી, સ્પોર્ટ્સકોમ સાથેની ભાગીદારીમાં કરવામાં આવ્યું છે અને તેને i HUB અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી સંસ્થાઓ દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ભાગ લેનારને વરિષ્ઠ નીતિકારો અને રમતગમત ઉદ્યોગમાં સફળ થયેલા મહાનુભાવો પાસેથી ઉપયોગી બાબતોને સાંભળવાની અને સ્પોર્ટ્સ થીમ આધારિત તેમના પોતાના સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ અને પ્રેરણા વિકસાવવાની તક મળશે.