અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે પિતાની વારસાગત સંપત્તિમાં દીકરીના હક્ક અંગે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટ અનુસાર પિતાની સંપત્તિમાં પુત્રીના હક્ક અને અધિકારનો અંત ત્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી તે સ્વૈચ્છિક રીતે પોતે પોતાના હિસ્સા કે હક્કનો ત્યાગ ના કરે.
આ મામલો અમદાવાદના ચેનપુર ગામની વારસાગત ખેતીની જમીન સાથે સંબંધિત છે. અરજદાર પુત્રીએ તેના પિતાની સંપત્તિમાં પોતાના આઠમા ભાગના હિસ્સા માટે ટ્રાયલ કોર્ટમાં દાવો કર્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટે પુત્રીનો આ દાવો રદ કરી દીધો હતો. આ નિર્ણયને અરજદાર પુત્રીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે આ અપીલની સુનાવણીના અંતે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો હતો. હાઈકોર્ટે અરજદાર પુત્રી દ્વારા કરાયેલા વારસાગત મિલ્કતના હિસ્સા માટેના દાવાને પુન:સ્થાપિત કરવાનો અને દાવાનો શક્ય એટલી ઝડપથી નિકાલ કરવા માટે હુકમ કર્યો છે.
અરજદાર પુત્રીનું કહેવું છે કે, તેણે પરિવારની ઈચ્છા વિરુદ્ધ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી પરિવારજનોએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. અરજદારના પિતાનું 1986માં નિધન થયું હતું. ત્યાર બાદ જાન્યુઆરી, 1987માં અરજદારના ભાઈઓએ ઉપરોક્ત જમીનના વારસાઈ હક્ક માટે મહેસૂલી રેકર્ડમાં વારસદાર તરીકે માત્ર પોતાના નામ દાખલ કરાવ્યા હતા અને બહેન (અરજદાર પુત્રી)ના નામને બાકાત રાખ્યું હતું.
અરજદારના જણાવ્યા મુજબ, તેને તેના નામની કમી અંગે દાયકાઓ સુધી જાણ જ નહોતી. જૂન-2018માં તેને ખબર પડી કે તેના ભાઈઓએ વારસાગત મિલ્કતમાં અમુક હિસ્સો વેચી દીધો છે અને બાકીની જમીન પણ વેચવાનું આયોજન કરી રહ્યા છે. આ જાણ થતાં તેણે પોતાનો કાયદેસર હક્ક-હિસ્સો મેળવવા માટે ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
અરજદારપક્ષે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સિવિલ જજ દ્વારા કોઈ ટ્રાયલ ચલાવ્યા વિના અને સુઓમોટો લઈને એક તરફી તેમનો દાવો ફગાવી દેવાયો હતો. ટ્રાયલ કોર્ટે મોડેથી દાવો દાખલ થયો હોવાથી સમયમર્યાદાનો બાધ નડતો હોવાનું કારણ આપી તેને રદ કરી નાખ્યો હતો. હાઈકોર્ટે કેસની તમામ હકીકતો ધ્યાનમાં લીધા બાદ ચુકાદો આપતા જણાવ્યું કે, અરજદાર પુત્રીને મિલ્કતમાંથી બાકાત રખાયાની જાણ કયારે થઇ, તે હકીકત અને કાયદાનો એક મિશ્ર પ્રશ્ન છે અને તે પુરાવો સાંભળ્યા વિના નક્કી કરી શકાય નહીં. અરજદારને તેના નામની કમીની વર્ષો બાદ જાણ થઈ તેટલા માત્ર કારણસર દાવો પ્રારંભિક તબક્કે ફગાવી શકાય નહીં. કોર્ટે અંતમાં સ્પષ્ટ કર્યું કે, હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ હેઠળ પુત્રીનો મિલ્કતમાં સહભાગી તરીકેનો હક્ક કાયદેસર રીતે માન્ય છે.
