દેશભરમાં બેંક કૌભાંડોની સતત હારમાળા વચ્ચે આઈસીઆઈસીઆઈ અને વીડિયોકોન કંપનીનું વધુ એક બેંક કૌભાંડ બહાર આવતા સનસની મચી ગઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરે વીડિયોકોન જૂથના વેણુગોપાલ ધૂતને રૂ. ૩,૨૫૦ કરોડની લોન આપી હતી.
વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર અને તેમના બે સંબંધી સાથે એક કંપનીની સ્થાપના કરીને આ લોન લીધી હતી. આઈસીઆઈસીઆઈ બેંકની વીડિયોકોન જૂથ સાથે આ એક ‘સ્વિટ ડીલ’ હતી. આ મુદ્દે ચંદા કોચર પર કૌટુંબિક ભ્રષ્ટાચાર, સગાવાદ અને હિતોના ટકરાવના આરોપો મૂકાઇ રહ્યા છે.
‘ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારના અહેવાલ પ્રમાણે, ડિસેમ્બર ૨૦૦૮માં વેણુગોપાલ ધૂતે દીપક કોચર અને ચંદા કોચરના અન્ય બે સંબંધી સાથે મળીને ‘ન્યૂપાવરરિન્યૂએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપનીની સ્થાપના કરી હતી. ત્યાર પછી વેણુગોપાલ ધૂતે અન્ય એક કંપની દ્વારા ન્યૂપાવરને રૂ. ૬૪ કરોડની લોન આપી હતી. એ પછી તેમણે જે કંપની દ્વારા ન્યૂપાવરને લોન આપી હતી તેની માલિકી ફક્ત રૂ. નવ લાખમાં એક ટ્રસ્ટને સોંપી દીધી હતી.
આ ટ્રસ્ટના વડા દીપક કોચર હતા. મહત્ત્વની વાત એ છે કે, આ કંપનીની માલિકી દીપક કોચરના ટ્રસ્ટને અપાઇ તેના છ મહિના પહેલાં વીડિયોકોનને આઈસીઆઈસીઆઈ દ્વારા રૂ. ૩,૨૫૦ કરોડની જંગી લોન અપાઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં હિતોનો ટકરાવ થઇ રહ્યો છે કારણ કે, વીડિયોકોને જંગી લોન લીધા પછી ૮૬ ટકા લોન તો ચૂકવી જ નથી. ત્યાર પછી ૨૦૧૭માં આઈસીઆઈસીઆઈ બેંકમાં વીડિયોકોનના ખાતાને ‘નોન પર્ફોર્મિંગ એસેટ્સ’ જાહેર કરી દેવાયું હતું. તપાસ એજન્સીઓએ ધૂત, કોચર અને આઈસીઆઈસીઆઈ બેંકની લેવડદેવડની સઘન તપાસ પણ હાથ ધરી હતી.
આઈસીઆઈસીઆઈ બેંકનો દાવો છે કે, અમે આંતરિક સમીક્ષા કરીને જ આ લોન આપી હતી. અમે કંપનીને મજબૂત ગણીને જ લોન આપી હતી. અમને અમારા સીઈઓ ચંદા કોચર પર સંપૂર્ણ વિશ્વાસ છે.આ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકે સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરને ક્લિન ચીટ આપી દીધી છે. આઈસીઆઈસીઆઈ બેંકે અફવાઓ પર ધ્યાન નહીં આપવાની પણ લોકોને અપીલ કરી છે. આઈસીઆઈસીઆઈ બેંક સામે ૨૦૧૬માં પણ આવી અફવાઓ ઊઠી હતી, જેનો અમે યોગ્ય જવાબ આપ્યો હતો.