શાકાહારી મગર: ૭૦ વર્ષથી આ મગર મંદિરમાં ભાત-ગોળનો પ્રસાદ ખાઈને જ જીવતો હતો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કેરળના શ્રીઅનંતપદ્મનાભસ્વામી મંદિરનો ભાત-ગોળનો પ્રસાદ ખાઈ ૭૦ વર્ષ સુધી મંદિરની રખેવાળી કરતો ‘દિવ્ય મગરમચ્છ’ની સોમવારે અંતિમ યાત્રા કાઢી અને મંદિર પરિસરની પાસે દફનાવવામાં આવ્યો. આ દિવ્ય મગરમચ્છનું રવિવારે રાત્રે મંદિરના તળાવમાં મૃત્યુ થઈ ગયું હતું. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, તેના મૃત્યુનું કારણ વૃદ્ધાવસ્થા હોવાનું માનવામાં આવે છે. આ બધા ખુલાસા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. મગર કાસરગોડ જિલ્લાના કુમ્બલા ખાતે શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરની વિદ્યાનો એક હિસ્સો હતો. મગરને પ્રેમથી બાબિયા કહેવામાં આવતું હતું. મગરમચ્છનાં અંતિમ દર્શન માટે નેતાઓ અને હાજર લોકો ઊમટી પડ્યા. ભક્તો આ ‘દિવ્ય આત્મા’ના દર્શન અને શ્રદ્ધાંજલિ આપે તે માટે તેના શવને કલાકો સુધી મોબાઈલ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો.  મંદિર ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ ઉદય કુમારનું કહેવું છે કે અમારી પાસે એક હિન્દુ સ્વામીજીના દફનવિધિ સંબંધિત ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ હતી. તેમણે જણાવ્યું કે મૃતદેહને મંદિર પાસે દફનાવામાં આવ્યો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે બાબિયા એક દિવ્ય આત્મા હતી. ભવિષ્યમાં ભક્તો તેની સમાધિ પર આવીને પ્રાર્થના કરી શકે છે. પૂજારીઓનો દાવો છે કે મગર શાકાહારી હતો અને તળાવમાં માછલીઓ અથવા અન્ય જીવોને ખાતો નહોતો.બાબિયા એક ગુફામાં રહેતો હતો. દિવસમાં બે વખત મંદિરનાં દર્શન માટે ગુફાથી નીકળતો હતો અને થોડીવાર ફર્યા બાદ અંદર ચાલ્યો જતો હતો. મગર મંદિરમાં ચઢાવાતો ભોગ-પ્રસાદ જ ખાતો હતો. એને ભાત અને ગોળ ખૂબ જ પસંદ હતા. કેટલાક લોકો મંદિરમાં ભગવાનનાં દર્શન સિવાય બાબિયાને જોવા આવતા હતા અને પોતાના હાથોથી એને ભાત જમાડતા હતા. લોકોનો દાવો છે કે મગરે આજ સુધીમાં ક્યારેય કોઇના પર હુમલો નથી કર્યો કે નુકસાન નથી પહોંચાડ્યું.  બાબિયાના મૃત્યુ પર કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલજે શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્‌વીટ કરી લખ્યું, તેમણે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે મગર ૭૦ વર્ષથી મંદિરમાં રહેતો હતો. ભગવાન એને મોક્ષ આપે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રએ કહ્યું હતું કે લાખો ભક્તોએ મગરનાં દર્શન કર્યા. બાબિયાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

Share This Article