અમદાવાદ ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા-જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેઇનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ “સરપ્રાઇઝ”, જે 16મી મેના રોજ રિલીઝ થઈ છે. હાસ્ય, ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે. તેમની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ અને જાનવી ચૌહાણ તથા ડિરેક્ટર સચીન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં મીડિયા સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરી.
સની દેસાઈ પ્રોડક્શન્સના સની દેસાઈ અને રામાય એન્ટરટેઇનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ ગુજરાતીમાં થ્રિલર પ્રકારની ફિલ્મોને નવી દિશા આપે એવી અપેક્ષા છે. હેલી શાહ ટેલિવિઝન શોમાં પણ બહુ લોકપ્રિય છે. હિન્દી મનોરંજન ક્ષેત્રે નામના મેળવનાર વત્સલ શેઠ અને હેલી શાહ પ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઇઝ’નું ‘ઝુમે છે ગોરી’ એક રોમાંચક અને મનોરંજન અપાવતું ગીત છે, જેમાં પ્રેમ અને મસ્તીથી ભરપૂર છે. ગીતમાં હેલી શાહ અને વત્સલ શેઠના અભિનયથી પ્રેમની મીઠાસ અને રોમાંસની ઝલક જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું મ્યુઝિક ઘણું જ લોકપ્રિય થઈ રહ્યું છે.
‘સરપ્રાઇઝ’નું નામ જ નહિ, તેનો કન્ટેન્ટ પણ એટલો જ રોમાંચક અને રહસ્યમય છે. આ ફિલ્મ માત્ર ચોરીની ઘટનાઓની આસપાસ જ ફરતી નથી, પણ એ દર્શાવે છે કે દરેક ગુનાહ પાછળ કોઈ ન કોઈ કારણ છુપાયેલું હોય છે. કથાના અનપેક્ષિત વળાંકોને કારણે આ ફિલ્મ અંત સુધી તમે સ્ક્રીનથી આંખ નહીં હટાવી શકો.
16 મે, 2025ના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મ ‘સરપ્રાઇઝ’ એક એવી થ્રિલર છે જેમાં રહસ્ય, સંવેદનાઓ અને રોમાંચનો અનોખો મેલ જોવા મળે છે. જો તમારે કંઈક અલગ અને આકર્ષક જોવું હોય, તો આ ફિલ્મને ચૂકી ન જશો!