શક્તિપીઠ અંબાજી ખાતે અનેક નાના મોટા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. જ્યારે અંબાજી ભાટવાસ વિસ્તારમાં આવેલી રામદેવપીરની ટેકરી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જ્યારે મહાસુદ બીજના દિવસે દર વર્ષે બાબા રામદેવપીરની વિશાળ યાત્રા નીકળતી હોય છે.
શોભાયાત્રા બાદ બપોરના સમયે ભોજન ભંડારો અને રાત્રી વિશાળ ભજન સંધ્યાનું આયોજન થતું હોય છે. જ્યારે કોરોના મહામારીના બે વર્ષ બાદ ફરી એકવાર આ વર્ષે રામદેવપીરની ટેકરીથી બાબા રામદેવપીરની શોભાયાત્રા નીકળી હતી. જે અંબાજીના નગરોમાં શોભાયાત્રા પરિભ્રમણ કરી પરત રામદેવપીરની ટેકરીએ પહોંચી હતી. મોટી સંખ્યામાં શોભાયાત્રામાં અંબાજી નગરજનો જોડાયા હતા અને હર્ષો ઉલ્લાસ સાથે આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ બાબા રામદેવપીરની ટેકરી ખાતે ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ મોટી સંખ્યામાં રામાપીરની ટેકરી ખાતે રામદેવપીરના પ્રસાદ ભોજનના રૂપમાં લઈ ધન્યતા અનુભવી હતી. ભોજન પ્રસાદ બાદ રાત્રિના સમયે રાજસ્થાનના પ્રખ્યાત ભજન ગાયક ગજેન્દ્ર રાવ દ્વારા ભજનોની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. જેમાં પણ અંબાજી ભાટવાસ વિસ્તાર સહિત અંબાજી ગામની જનમેદના ઉમટી હતી અને ભજનોથી અંબાજી નગર ગુંજી ઉઠ્યું હતું. અંબાજીમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ છવાયો હતો. જ્યારે અંબાજી નગરના માર્ગો બાબા રામદેવપીરના ગીતો થી ગુંજી ઉઠ્યા હતા.
અંબાજી ખાતે બાબા રામદેવપીરના મહાસુદ નિમિત્તે ઉજવાતા પ્રસંગને સફળ બનાવવા માટે અંબાજી વણઝારા સમાજના આગેવાનો છેલ્લા કેટલાય દિવસથી કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓમાં લાગ્યા હતા. જ્યારે તન મન અને ધન થી સહયોગ આપી વણઝારા સમાજના આગેવાનો દ્વારા મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.