વારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં મે મહિનામાં નિર્માણ હેઠળ રહેલા પુલનો એક હિસ્સો ધરાશાયી થવાના કારણે મોટી દુર્ઘટના બની હતી. જેમાં ૨૦થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. આ મામલામાં આજે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વારામસી ઘટનાના આશરે અઢી મહિના બાદ પોલીસે આ બનાવ માટે જવાબદાર સાત એન્જિનિયરો અને એક કોન્ટ્રાક્ટર સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી.
પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓમપ્રકાશ સિંહ દ્વારા આ ધરપકડના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ વારાણસી દુર્ઘટનાના મામલામાં કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. શનિવારના દિવસે પૂર્વ ચીફ પ્રોજેક્ટ મેનેજર ગેંડાલાલ, કેઆર સુદન, એઈ રાજેન્દ્રસિંહ, એઈ રામતપસ્યા યાદવ, જેઈ લાલચંદસિંહ, જેઈ રાજેશપાલ અને કોન્ટ્રાક્ટર સાહિબ હુસૈનની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત ચીફ પ્રોજેક્ટ મેનેજર એચસી તિવારીની પણ ધરપકડ કરવામાં આવી છે. આકરી પૂછપરછ હાથ ધરાઈ છે. ૧૫મી મેના દિવસે વારાણસીમાં કેન્ટ સ્ટેશન નજીક નિર્માણ હેઠળ ફ્લાય ઓવરનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. જેથી ૨૦ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશ સરકારે ઘટનાના મામલે તપાસ ટીમની રચના કરી હતી. જેને આગામી ૪૮ કલાકમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો હતા. રાજ્ય સરકારે આ બનાવમાં માર્યા ગયેલા લોકોને પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. કેન્ટ ક્ષેત્રમાં ફ્લાયઓવરના નિર્માણનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું હતુ.
૧૫મી મેના દિવસે સાંજે એકાએક પુલનો એક હિસ્સો ધરાશાયી થઇને પડી ગયો હતો જેની નીચે અનેક ગાડીઓ દબાઈ ગઈ હતી. કેટલાક લોકો પણ પુલની નીચે દટાઈ ગયા હતા. કાટમાળની નીચે અનેક કાર, ઓટો, ટુ વ્હીલર્સ ફસાઈ ગયા હતા. કેન્ટ રેલવે સ્ટેશનની પાસે બનેલા આ બનાવમાં નીચે અનેક ગાડીઓ ઉભેલી હતી જેમને ભારે નુકસાન થયું હતુ. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરીમાં લાગી ગઈ હતી. વડાપ્રધાને યોગી સાથે ફોન પર વાત કરીને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વારાણસી પુલ દુર્ઘટનાના મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જાકે ધરપકડ કરવામાં સમય લાગ્યો છે. જેને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે.