અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. આજે વલસાડમાં તથા નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું હતું. એકબાજુ વલસાડમાં લઘુત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૧૫.૬ ડિગ્રી થઇ ગયું હતું. ડિસામાં પણ પારો ૧૫.૨ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. આ તમામ વિસ્તારોમાં હવે ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. હવે સવારના ગાળામાં પણ ઠંડા પવનોનો અનુભવ થઇ રહ્યો છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. તાપમાનમાં આગામી બે દિવસ દરમિયાન કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ઠંડા પવનોના લીધે ફુલગુલાબી ઠંડીનો અનુભવ હવે લોકોને થઇ રહ્યો છે.
આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૯.૪ અને મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં વલસાડમાં લઘુત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી થઇ ગયું હતું. ગઇકાલની સરખામણીમાં વલસાડમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. રાજ્યના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.
ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.