દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ૨૫મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે તેમને ફરી દેશના લોકો યટ્ઠાદ કરીને શ્રદ્ધાંજલિ આપનાર છે. વાજપેયી આજે અમારી વચ્ચે નથી પરંતુ તેમની ભાષા અને કુશળતા તેમજ તેમના વ્યક્તિત્વને ક્યારેય દેશના લોકો ભુલી શકશે નહીં. વાજપેયીના જન્મદિવસને હમેંશા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ રીતે ઉજવવામાં આવે છે. વાજપેયી ભારતીય રાજનીતિ માટે એક દાખલા સમાન રહેશે. આજના સમયના રાજનેતા જ્યારે એકબીજા પર પ્રહાર કરવા અને એકબીજાનુ અપમાન કરતા થાકતા નથી ત્યારે વાજપેયી યોગ્ય બાબતો પર શાસક પક્ષના નેતાઓની પણ જાહેરમાં પ્રશંસા કરવાની કોઇ તક છોડતા ન હતા. વાજપેયીના જન્મદિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે પણ કરવામાં આવે છે. તેમનાથી લોકોને હમેંશા પ્રેરણા મળતી રહેશે.
તેમની ખાસ બાબત એ રહી હતી કે વિરોધી લોકો પણ વાજપેયીને સાંભળી લેવા માટે હમેંશા ઉત્સુક રહેતા હતા. શબ્દના જાદુગર તરીકે તેમને લોકો ગણે છે. વાજપેયી એવા નેતા તરીકે હતા જે વિપરિત વિચારધારાના લોકોને એક સાથે લઇને ચાલ્યા હતા. સાથે સાથે ગઠબંધન કરીને મજબુત સરકાર બનાવી હતી. વાજપેયી પોતાની ટિકા સાંભળી લેવાની હિમ્મત રાખતા હતા. અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે ગ્વાલિયરમાં થયો હતો. વાજપેયી આજીવન બેચલર તરીકે રહ્યા હતા. પરંતુ પુત્રી નમીતાને તેઓ દત્તક તરીકે લીધી હતી. નાની વયમાં જ વાજપેયીએ બ્રિટીશ શાસનનો વિરોધ કરવા બદલ જેલની સજા પણ ભોગવી હતી. વડાપ્રધાન તરીકેની તેની સેવા અભૂતપૂર્વ રહી હતી.
વાજપેયી ભારતના ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. મે ૧૯૯૬માં વડાપ્રધાન તરીકેની તેમની પ્રથમ અવધિ ટૂંકી રહી હતી. પ્રથમ અવધિ ૧૫ દિવસની રહી હતી. જ્યારે બીજી અવધિ ૧૯૯૮માં શરૂ થઈ હતી પરંતુ આ અવધિ ૧૩ મહિના સુધી ચાલી હતી. તે વખતે જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો હતો. તેમની ત્રીજી અવધિ ૧૯૯૯માં શરૂ થઈ હતી જે સંપર્ણ પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેમની સંસદીય કારકિર્દી પાંચ દશક સુધી રહી હતી. તેઓ લોકસભામાં ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે રાજ્યસભામાં બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.
દેશના પૂર્વ વડાપ્રધાન ડિમેન્શિયા નામની બિમારીથી ગ્રસ્ત હતા. આ બિમારીમાં કોઇપણ વ્યક્તિ ભુલવાની ટેવ ધરાવે છે અને વિચારવા અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. તેમનામાં શોર્ટટર્મ મેમરી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ડિમેન્શિયાના મોટાભાગના કેસોમાં ૬૦થી ૮૦ ટકા કેસ અલમાઇજરના હોય છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિના મૂડમાં વારંવાર ફેરફાર થાય છે. તેઓ વહેલીતકે પરેશાન થઇ જાય છે. આ પ્રકારના લોકો મોટાભાગે ઉદાસ રહે છે. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી.
જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા.