નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન પર પાટનગર દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આજે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભાને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આઝાદે કહ્યું હતું કે, વાજપેયીએ તમામને સાથે લઇને ચાલવાનો ઉદ્દેશ્ય બનાવ્યો હતો.
આજે પણ તેમની મૃત્યુએ અલગ અલગ વિચારધારાઓના લોકોને એક જગ્યાએ એકત્રિત કરી દીધા છે. ગુલામ નબીએ કહ્યું હતું કે, કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીના નેતા આજે અહીં વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, વાજપેયી અને અડવાણી જ્યારે પણ કાશ્મીરમાં સભાઓ કરતા હતા ત્યારે તેઓ સાંભળવા માટે પહોંચી જતાં હતા. અડવાણીએ પણ તેમને યાદ કર્યા હતા.
બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ વાજપેયીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, અટલ બિહારીની છાપ આજે પણ અટલ છે. તેમની છાપથી કોઇપણ વ્યક્તિ પ્રભાવિત થયા વગર રહી શકે તેમ ન હતી. વાજપેયી આજે અમારી વચ્ચે નથી પરંતુ તેમની લોકપ્રિયતા અભૂતપૂર્વ રહી છે. વાજપેયીને લોકપ્રિયતા ભારતના વડાપ્રધાન બનવાના કારણે મળી ન હતી. વાજપેયી જ્યારે યુવા અવસ્થામાં હતા ત્યારથી જ તમામ લોકો તેમની તરફ આકર્ષિત થવા લાગ્યા હતા. સ્વતંત્રતા ભારતના લોકો તેમની નાની વયમાં જ વડાપ્રધાન તરીકેની છાપ જાતા હતા. ગઠબંધનને સફળતાપૂર્વક ચલાવનાર વાજપેયી જ રહ્યા હતા. પોખરણ પરીક્ષણ કરી દેવામાં આવ્યા હતા અને સીઆઈએ જેવી સંસ્થાને પણ આની જાણ થઇ ન હતી. આ કરિશ્મો વાજપેયી જ કરી શકતા હતા. કારગિલ યુદ્ધને યાદ કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે, વાજપેયીએ માત્ર કારગિલ યુદ્ધ જીત્યુ ન હતુ બલ્કે રાજદ્વારી મોરચે પણ જીત મેળવી હતી.