અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બેઠકોનો દોર પણ હવે દિન પ્રતિદિન શરૂ થઇ રહ્યો છે. ભાજપ દ્વારા આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વધુને વધુ સીટો જાળવી રાખવાના હેતુસર મિટિંગોના દોર ચાલી રહ્યા છે. આના ભાગરુપે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાવદ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આગામી ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી સાંજ સુધી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી બેઠક યોજાશે.
આ પ્રદેશ કારોબારી બેઠક પૂર્વે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ બપોરે ૧.૩૦ કલાકથી સાંજ સુધી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દોદારોની બેઠક યોજાશે, જેમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ તથા જિલ્લા-મહાનગરના પ્રમુખો ઉપસ્થિત રહેશે. તારીખ ૨૨મી સપ્ટેમ્બરે યોજાનાર પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, વિવિધ સેલના પ્રદેશ સંયોજકો, પ્રદેશ સેલના કન્વીનરો, પ્રદેશ કારોબારી સભ્યો જેમાં આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, પ્રમુખ, મહાનમંત્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખો જેમાં વિપક્ષના નેતા તથા મહાનગરપાલિકાના મેયરો ઉપસ્થિત રહેશે.