વાઘા બોર્ડરની પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

અમદાવાદ :  નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નિર્માણ કરાયેલી વિશ્વની સૌથી ઉંચી અને ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને જાવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને રાજય સરકાર દ્વારા આ સ્થળે વધુ ને વધુ આકર્ષણ ઉમેરાતાં જાય છે. તાજેતરમાં પ્રવાસીઓ માટે બોટિંગની વ્યવસ્થા શરૂ કરાયા બાદ હવે વાઘા બોર્ડરની પરેડનું એક નવું આકર્ષણ ઉમેરવા સરકાર જઇ રહી છે. એટલે હવે સાહેલાણીઓ-પ્રવાસીઓએ વાઘા બોર્ડરની પરેડ(બીટીંગ રિટ્રીટ) જોવા માટે પ્રવાસીઓને પંજાબ જવું નહીં પડે.

વાઘા બોર્ડર જેવી જ પરેડ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ટૂંક સમયમાં જ નિહાળી શકશે. આ નવા આકર્ષણ માટે રાજય સરકારે એસઆરપીના ખડતલ ૩૦ જવાનોની ટુકડી બનાવી લીધી છે. એસઆરપીના પ ફૂટ ૧૦ ઇંચથી વધુ હાઈટ ધરાવતા ૩૦ જવાનોનું સુરક્ષા ગ્રુપ પણ તૈયાર કરાયું છે. ગૃહ વિભાગ દ્વારા આ બાબતે નર્મદા નિગમને લેખિત જાણ કરી દેવામાં આવી છે. પંજાબની અમૃતસર-વાઘા બોર્ડર પર જેવી રીતે બીએસએફના જવાનોની ડિસ્પ્લે પરેડ જોવાનું લોકોને આકર્ષણ છે.

તે મુજબ રાજ્ય સરકાર પણ ડિસ્પ્લે પરેડનું આયોજન પ્રવાસીઓ માટે કરી રહી છે અને તે માટે ૩૦ જવાનોનું પ્લાટુન બનાવાયું છે તથા જવાનોની પસંદગી પણ થઈ ગઈ હોઈ ટૂંક સમયમાં તેમની આ બાબતે ટ્રેનિંગ શરૂ થશે અને આ માસના અંત સુધીમાં પ્રવાસીઓ વાઘા બોર્ડર ખાતે યોજાતી પરેડ જોઈ શકશે. આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરીઝમ પ્રોત્સાહન માટે સરકાર એક પછી એક અવનવા આકર્ષણો ઉમરેતી જાય છે.

Share This Article