નવીદિલ્હી : મની લોન્ડરિંગના આરોપમાં ઇડીની પુછપરછનો સામનો કરી રહેલા રોબર્ટ વાઢેરાને સીબીઆઈની ખાસ અદાલતથી આજે મોટી રાહત મળી હતી. રોબર્ટ વાઢેરા અને તેમના નજીકના સાથી મનોજ અરોરાની કોર્ટે આગોતરા જામીન અરજી સ્વીકાર કરી લીધી છે. અલબત્ત કોર્ટે મંજુરી વગર દેશ ન છોડવાનો આદેશ કર્યો છે. તપાસમાં સહકાર કરવા અને પુરાવા સાથે ચેડા ન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. બંને હાલમાં વચગાળાના જામીન ઉપર છે.
મની લોન્ડરિંગ અને વિદેશોમાં શેલ કંપનીઓ મારફતે સંપત્તિ એકત્રિત કરવાનો રોબર્ટ વાઢેરા ઉપર આરોપ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરા અને તેમના સાથીને કોર્ટે પાંચ-પાંચ લાખ રૂપિયાના અંગત સ્યોરિટી અને બોન્ડ ઉપર જામીન આપ્યા છે. જમીન ખરીદી અને સેલ કંપનીઓ મારફતે વિદેશોમાં સંપત્તિ ખરીદવાના મામલામાં રોબર્ટ વાઢેરાથી હજુ સુધી ઇડી દ્વારા અનેક વખત પુછપરછ કરવામાં આવી ચુકી છે. સીબીઆઈની ખાસ અદાલતે કેટલીક શરતો સાથે તેમને જામીન આપ્યા છે.
રોબર્ટ વાઢેરા અને મનોજ ઉપર દેશ નહીં છોડવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે. ઇડીની તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાઢેરા સોશિયલ મિડિયા ઉપર ખાસ સક્રિય રહ્યા છે. અનેક વખત લાંબા પોસ્ટ કરીને પોતાના અનુભવ અને વ્યÂક્તગત તરીકે પોતાની ઇચ્છાઓ રજૂ કરે છે. વાઢેરાએ સોશિયલ મિડિયા ઉપર તપાસ પૂર્ણ થયા બાદ સક્રિય રાજનીતિમાં ઉતરીને સમાજની સેવા કરવાના સંકેતો પણ આપ્યા છે.