અમદાવાદ: વડોદરામાં નોટરીની ખોટી સહી કરીને અંદાજે ૫૦૦થી વધુ બોગસ નોટરાઈઝ દસ્તાવેજો બનાવવાના ષડયંત્રનો શહેર એસઓજી પોલીસે પર્દાફાશ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એસઓજી પોલીસે દરોડો પાડીને દંપત્તી બકુલા આશિષ પટેલ અને આશિષ કૃષ્ણકાંત પટેલની દીપ એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. તેમજ નોટરીયન બીપીન જશ પટેલને માંજલપુરની ચંદ્રવિલા સોસાયટીમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે વડોદરા સહિત રાજયભરના વકીલ અને નોટરી આલમમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેર પોલીસને મળેલ બાતમીના આધારે, એસઓજી પોલીસે દરોડા પાડયા હતા અને સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું.
પોલીસને બાતમી મળી હતી કે, રાવપુરા રોડ પર જયુબિલી બાગ સામે આવેલ જયુપિટર ટાઈપ નામની દુકાન આવેલી છે અને દુકાનની ઉપરના માળે આવેલ શ્રીજી ટાઈપ સેન્ટરની ઓફિસમાં સ્ટેમ્પ વેન્ડર બકુલા આશિષ પટેલ દસ્તાવેજો અને સોગંદનામા કરવા આવતા ગ્રાહકોને સ્ટેમ્પનું વેચાણ કરી કોમ્પ્યુટર ઉપર દસ્તાવેજ અને સોગંદનામાં ટાઉપ કરાવી નોટરી તરીકેની ઓળખ આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે.
પોલીસની પુછપરછ દરમિયાન બકુલા પટેલે જણાવ્યું હતું કે, મારી પાસે સ્ટેમ્પર વેન્ડરનું લાયસન્સ છે અને પતિ આશિષ પટેલની દુકાનમાં ટાઈપ અને સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતા હોવાનું વધુમાં જણાવ્યું હતું. છ મહિના પહેલા નોટરીયન બીપીનભાઈ પટેલ દ્વારા બકુલ પટેલને દસ્તાવેજો અને સોગંદનામા પર બી.જે.પટેલના નામની સહી કરવાનું જણાવ્યું હતું. માત્ર ધો.૧૦ પાસ કરેલ બકુલા પટેલ દ્વારા અત્યાર સુધીમાં આ પ્રકારની ૪૦૦થી ૫૦૦ દસ્તાવેજો અને સોગંદનામા પણ સહી કરી હોવાનું જણાતા એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.