વડોદરા સરદાર સરોવર નિગમમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર ફેફર પોતાની જાતને વિષ્ણુનો અવતાર માનવા લાગ્યા હતા. તેઓ સતત ગેરહાજર રહેતા હોવાથી નિગમે તેઓને નોટિસ આપી હતી. તો આ ઇજનેરે નોટિસના જવાબમાં જણાવ્યું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર છું. તુરીયાતીત અવસ્થામાં રહી, સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહિં. આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના નર્મદાભુવન ખાતે આવેલી સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીમાં (વર્તુળ-1)માં રમેશચંદ્ર એચ. ફેફર અધિક્ષક ઇજનેર તરીકે નોકરી કરે છે. ઇજનેરને પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ હોવાની લગણી લાગી છે. તેઓ ઓફિસમાં આવતા ત્યારે ભગવાન વિષ્ણુના સ્મરણમાં જ દિવસ પસાર કરતા હતા. અને સ્ટાફ સાથે પણ પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ હોવાનું જણાવતા હતા. પોતાની ઓફિસના ટેબલ ઉપર પણ ભગવાન વિષ્ણુના ફોટા રાખ્યા છે.
કલ્કિ અવતાર માનતા રમેશચંદ્ર ફેફર તા. 22-9-017 થી નોકરી ઉપર સતત ગેરહાજર રહેતા, નિગમના કમિશનરે તેઓને તા.15-5-018ના રોજ કારણ દર્શક નોટિસ આપી હતી. જે નોટિસના અનુસંધાનમાં ઇજનેર રમેશચંદ્ર ફેફરે તા.17-5-018ના રોજ આપેલા લેખિત જવાબમાં જણાવ્યું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ છું.