શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત રહ્યો છે પરંતુ શહેર પોલીસને હજુ તસ્કરોના તરખાટને નાથવામાં જાઇએ તેવી સફળતા મળતી નથી, તેને લઇ શહેર પોલીસ સામે સવાલો ઉઠતા જાય છે તો નાગરિકો દ્વારા પોલીસ સામે રોષની લાગણી વ્યકત કરવામાં આવી રહી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં બનેલા ચોરીના બનાવમાં શહેરીજનોએ રૂ.૧૧ લાખની માલમતા ગુમાવી છે.
તસ્કરોએ શહેરના વાડજ, આનંદનગર, કારંજ અને બાપુનગર વિસ્તારમાં હાથ સાફ કર્યો હતો. પોલીસે આ તમામ બનાવો અંગે જરૂરી ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે વાડજ વિસ્તારમાં આવેલ આરબીઆઇ ઓફિસ નજીક પ્રક્ષનાથ ચેમ્બરમાં આવેલ એક ઓફિસનું લોકર તોડી તસ્કરોએ રૂ.૧ લાખની રોકડ રકમ, લેપટોપ અને હાર્ડડિસ્ક મળી રૂ.બે લાખની માલમતાની ચોરી કરી હતી.
જ્યારે આનંદનગરમાં ૧૦૦ ફૂટ રોડ પર આવેલ આનંદનગર ફલેટના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનનું તાળું ડુપ્લિકેટ ચાવીથી ખોલી તિજોરીમાંથી રૂ.ર.૧૬ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.
આ ઉપરાંત કારંજ વિસ્તારમાં રિલીફ રોડ પર પથ્થરકૂવા નજીક આવેલી આરઝુ એન્ટરપ્રાઇઝ નામની દુકાનનું તસ્કરોએ તાળું તોડી ડ્રોઅરમાંથી રૂ.૬.૧૭ લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ડોગ સ્કવોડની મદદથી સઘન તપાસ શરૂ કરી છે.
પરંતુ હજુ સુધી કોઇ નક્કર માહિતી મળી નથી. આ જ પ્રકારે, બાપુનગરમાં સોનીની ચાલી પાસે શુભલક્ષ્મી એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં તસ્કરોએ ઘૂસી વર્કશોપમાંથી ૬૦ કિલો કોપર વાયર, ૧૦૦ નંગ બેરિંગ, ઇન્સ્યુલેશન વાયરના ૬ બંડલ મળી આશરે રૂ.પ૦ હજારની માલમતાની ચોરી કરતા પોલીસે આ બનાવો અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કોઇક ને કોઇક વિસ્તારમાં રોજ અજાણ્યા તસ્કરો ત્રાટકતા હોય છે, ચોરીના ગુનાને અંજામ આપતાં હોય છે ત્યારે પોલીસ શા માટે આવા તત્વો વિરૂધ્ધ કોઇ નક્કર પગલા લઇ શકતી નથી અને શા માટે તસ્કરો પોલીસના હાથમાં આવતા નથી તે મોટા સવાલ જાહેર જનતામાં ઉઠી રહ્યા છે.