લખનૌ : લોકસભા ચૂંટણીમાં તમામ દાવપેચ ઉધા પડી ગયા બાદ હવે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ ભારે પરેશાન દેખાઇ રહ્યા છે. બંને પાર્ટીના મહાગઠબંધન તુટી જવાના સંકેત પણ મળવા લાગી ગયા છે. માયવતીએ ૧૧ વિધાનસભાની પેટાચૂંટણીમાં એકલા હાથે મેદાનમાં ઉતરવા કાર્યકરોને સંકેત આપ્યા બાદ આવી ચર્ચા વધારે તીવ્ર જોવા મળી રહી છે. સાથે સાથે રાજકીય પંડિતો એમ પણ માની રહ્યા છે કે જો ગઠબંધન કર્યા બાદ પણ તેમની હાલત આવી થઇ છે તો એકલા હાથે ચૂંટણી લડવાથી બંને પાર્ટીની હાલત શુ થશે. માયાવતીએ ગઠબંધન તોડી નાંખવા માટેના સંકેતો આપી દીધા છે.
બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકરોને ૧૧ વિધાનસભા પેટાચૂંટણીમાં એકલા હાથે લડવાની તૈયારી કરવા માયાવતીએ સુચના આપી છે.ચ આનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે માયાવતી ભવિષ્યમાં હવે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માટે તૈયાર નથી. આ બાબત એટલા માટે પણ કહેવામાં આવે છે કે સામાન્ય રીતે બસપ પેટાચૂંટણી નહીં લડે અને એકલા હાથે લડવા માટે ઇચ્છુક છે તો કેટલાક સંકેતો સાફ છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના સુપડા સાફ થઇ ગયા હતા. માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને અજિતસિંહની આરએલડી દ્વારા સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જો કે અપેક્ષા મુજબની સીટો તેમને મળી નથી. ત્રણેય પક્ષોને માત્ર ૧૫ સીટો જ મળી શકી છે. સપાના ખાતામાં પાંચ સીટો આવી છે. બહુજન સમાજવાદી પાર્ટીના ખાતામાં ૧૦ સીટો આવી છે. જ્યારે રાષ્ટ્રીય લોકદળનો ફરી એકવાર સંપૂર્ણપણે સફાયો થયો છે. જો કે બહુજન સમાજવાદી પાર્ટીને વર્ષ ૨૦૧૪ની તુલનામાં ૧૦ સીટો પર સફળતા મળી છે.
જો કે તેની અપેક્ષા આ વખતે વધારે હતી. માયાવતીને ઓછામાં ઓછી ૨૦ સીટોની અપેક્ષા રહેલી હતી. માયાવતીને લાગે છે કે આ ૧૦ સીટો પર જીતના કારણે તેના પરંપરાગત મતદારોની સાથે સાથે તેમની સ્થિતી મજબુત છે. માયાવતીને એમ પણ લાગે છે કે સપાના સમર્થકો દ્વારા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા નથી. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ બસપ અને સમાજવાદી પાર્ટી ભારે ચિંતાતુર છે. મોદી લહેર વચ્ચે ફરી એકવાર તેમની યોજના પર પાણી ફરી વળ્યુ છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ કરતા બસપાની સ્થિતી મજબુત છે.