દહેરાદૂન : ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લામાં એક ખાનગી બસ ગબડીને યમુના નદીમાં પડી જતાં ૧૨ લોકોના મોત થયા છે અને અન્ય ૧૪ લોકો ઘાયલ થયા છે. આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ યમનોત્રી હાઈવે ઉપર આ દુર્ઘટના થઇ હતી. ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
ગંભીરરીતે ઘાયલ થયેલા યાત્રીઓને હેલિકોપ્ટર મારફતે દહેરાદૂન ખસેડવામાં આવ્યા હતા. ગઢવાલ રેંજના ડીઆઈજી અજય રોટેલાએ કહ્યું હતું કે, નૌગાંવથી વિકાસનગર તરફ જઈ રહેલી આ બસ ખીણમાં ખાબકી ગઈ હતી જેમાં ૧૨ લોકોના મોત થયા હતા. ડામકા પહોંચવાથી થોડાક અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટર મારફતે બચાવ ટુકડીને સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ગંભીરરીતે ઘાયલ થયેલા પાંચ લોકોને હેલિકોપ્ટરથી દહેરાદૂન ખસેડવામાં આવ્યા હતા. અન્યોને નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.