નવી દિલ્હી: હવાઇ કનેક્ટિવિટીના મામલે ઉત્તરપ્રદેશ હવે સૌથી આગળ પહોંચી રહ્યુ છે. ઉત્તરપ્રદેશમાંથી કેટલીક નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. નેપાળ માટે પણ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારમાંથી દેશના અન્ય મોટા શહેરોમાં જવાની બાબત હવે સરળ બની ગઇ છે. પ્રદેના બીજા શહેરોને પણ અન્ય મોટા શહેરો સાથે જાડી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્પાઇસ જેટ દ્વારા પાંચ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાં કાનપુર-મુંબઇ-વારાણસી-કોલકત્તા, ગોરખપુર-બેંગલોર-વારાણસી-બેંગલોર, અને કાનપુર-કોલકત્તાની ફ્લાઇટ સામેલ છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિકાસના મોરચા પર રાજ્યને અતિ ઝડપથી લઇ જવા માટે તૈયાર છે. તેમના દ્વારા એકપછી એક મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. રોકાણને પ્રોત્સાહન આપવા માટે તમામ પગલા યોગી લઇ રહ્યા છે. સાનુકુળ માહોલ સર્જવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. હવાઇ કનેક્ટિવીટીના મામલે ઉત્તરપ્રદેશ અન્ય રાજ્યો કરતા આગળ નિકળી જવા માટે તૈયાર છે.
હાલમાં અલ્હાબાદના બમરોલી વિમાનીમથકથી અલ્હાબાદ અને ઇન્દોર વચ્ચેની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. તે પહેલા લખનૌ અને પટણા વચ્ચે પણ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. હવે લખનૌથી ચંદીગઢ માટે પણ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી ચુકી છે. હવે અમદાવાદ માટે પણ સીધી ફલાઇટની પહેલાથી જ વ્યવસ્થા રહેલી છે.