કેદરનાથ : લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ગુફામાં સાધના કરી હતી. હવે બાબા કેદારનાથના દર્શન માટે આવી રહેલા તમામ શ્રદ્ધાળુઓ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. કેદારનાથ ધામમાં મોદી ગુફાની બોલબાલા વધી રહી છે. હજુ સુધી ૨૦થી વધારે લોકો અહીં સાધના કરી ચુક્યા છે. આ તમામ શ્રદ્ધાળુઓ ૧૫૦૦ રૂપિયા આપીને ગુફાની અંદર ૨૪ કલાક એકલા સાધના કરી રહ્યા છે. આના માટે ઓનલાઇન બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલામાં ઓછુ હોય તેમ આગામી ૧૦ દિવસ માટે ગુફા બુક થઇ ચુકી છે.
દહેરાદુન સ્થિત ગઢવાલ વિકાસ નિગમના અધિકારી પીએલ રાણાએ કહ્યુ છે કે લોકોની પ્રતિક્રિયા ખુબ શાનદાર રહી છે. હજુ સુધી આશરે ૨૦ લોકો ગુફાની અંદર રહી ચુક્યા છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાવી રહ્યા છે. લોકો હવે ગુફા અંગે માહિતી મેળવી લેવા માટે ઇચ્છુક છે. તમામ બુકિંગ ઓનલાઇન થઇ રહ્યા છે. ગુફાની ડિમાન્ડની સ્થિતી એ છે કે અમને એક બીજી ગુફા બનાવી દેવાની ફરજ પડી રહી છે. રાણાના કહેવા મુજબ આ સંપૂર્ણપણે કૃત્રિમ ગુફા નથી. જેથી બીજી ગુફા બનાવવામાં સમય લાગી રહ્યો છે. કુદરતી ચટ્ટાનોમાં ફેરફાર કરીને ગુફાનુ નિર્માણ કામ કરવામાં આવી રહ્યુ છે.
રુદ્ર મેડિટેશન ગુફાની અંદર પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮મી મેના દિવસે મોદીએ ધ્યાન લગાવ્યુ હતુ. આ ગુફા કેદારનાથ મંદિરથી એક કિલોમીટરની ઉંચાઇ પર ડાબી બાજુ પર સ્થિત છે. આ અંતર સુધી ચાલીને જવાની જરૂર હોય છે. અહેવાલમાં દાવો કરવામા આવ્યો છે કે જે લોકો ગુફાની અંદર રોકાવવા માટે ઇચ્છુક છે તે લોકોને પોતાની બુકિંગની તારીખતી બે દિવસ પહેલા ગુપ્તકાશી પહોંચી જવાની જરૂર રહેશે.