ન્યુયોર્ક: યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ધારણા પ્રમાણે જ નોવાક જાકોવિકે પુરૂષોના વર્ગમાં સિગલ્સ તાજ પર કબજા મેળવી લીધો હતો. ફાઇનલ મેચમાં નોવાક જાકોવિકે પોતાના હરિફ ખેલાડી ડેલ પોટ્રો પર સીધા સેટોમાં ૬-૩, ૭-૬ અને ૬-૩થી જીત મેળવી હતી. વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ મેચ અપેક્ષા કરતા ઓચી રોમાંચક રહી હતી. જાકોવિક મેચમાં છવાયેલો રહ્યો હતો. આની સાથે જ જાકોવિકે પોતાની કેરિયરની ૧૪મી ગ્રાન્ડ સ્લેમ જીતી હતી.
જાકોવિક ૨૦૧૧ અને ૨૦૧૫માં પણ ચેમ્પિયન બન્યો હતો. જાકોવિકે છેલ્લા ૧૦ વર્ષમાં ડેલ પોટ્રો પર પોતાના રેકોર્ડને ૧૫-૪ કરી લીધો છે. જાકોવિકે અગાઉ પોટ્રોની સામે વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ યુએસ ઓપનમાં જીતી ગયો હતો. જાકોવિક હવે ૧૪ ગ્રાન્ડ સ્લેમ ધરાવે છે. તે રોજર ફેડરરના ૨૦, નડાલના ૧૭ બાદ હવે ત્રીજા સ્થાન પર છે. અગાઉ પહેલા મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સની ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતુ.
સેરેના વિલિયમ્સની જાપાની ખેલાડી ઓસાકા સામે સીધા સેટોમાં હાર હતી. ફાઈનલ મેચમાં જાપાનની નાવોમી ઓસાકાએ સેરેના ઉપર સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. આની સાથે જ ગ્રાન્ડસ્લેમ જીતનાર નાવોમી ઓસાકા પ્રથમ જાપાની ખેલાડી બની ગઈ હતી. ૨૦૧૭માં પોતાની પુત્રીને જન્મ આપ્યા બાદ સેરેના વિલિયમ્સ પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતવાના પ્રયાસ કરી રહી છે. ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે તે મેદાનમાં ઉતરી હતી પરંતુ તેની હાર થઇ હતી. જાપાની ખેલાડી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. આગામી દિવસોમાં જાપાનની આ ખેલાડી મહિલા ટેનિસમાં નવા રેકોર્ડ સર્જે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. ઓસાકા યુએસ ઓપનમાં કિલર તરીકે ઉભરી હતી.