ન્યુયોર્ક: યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સની ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. સેરેના વિલિયમ્સની જાપાની ખેલાડી ઓસાકા સામે સીધા સેટોમાં હાર થઇ છે. ફાઈનલ મેચમાં જાપાનની નાવોમી ઓસાકાએ સેરેના ઉપર સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. આની સાથે જ ગ્રાન્ડસ્લેમ જીતનાર નાવોમી ઓસાકા પ્રથમ જાપાની ખેલાડી બની ગઈ છે. ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતવાની આશા સાથે સેરેના વિલિયમ્સ મેદાનમાં ઉતરી હતી પરંતુ તેની કારમી હાર થઇ છે. આ મેચ ખુબ જ વિવાદાસ્પદ પણ બની હતી.
મેચ દરમિયાન સેરેના વિલિયમ્સે મેચ રેફરી પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. પેનલ્ટીને લઇને સેરેના વિલિયમ્સ ખુબ નારાજ થઇ હતી અને રેફરી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને ખોટુ વર્તન કરવાનો રેફરી ઉપર આક્ષેપ કર્યો હતો. રેફરીને ચોર તરીકે ગણાવીને સેરેના વિલિયમ્સે ભારે વિવાદ છેડ્યો હતો. જા કે, મોડેથી સેરેના વિલિયમ્સે રેફરી સમક્ષ માફી માંગી લીધી હતી. બીજા સેટમાં અમ્પાયર કાર્લોસે બોક્સથી કોચિંગ લેવા બદલ ચેતવણી પણ આપી હતી.
રેકેટથી ફાઉલ કરવા બદલ સેરેનાને બીજી વખત આચારસંહિતાના ભંગ બદલ ચેતવણી આપવામાં આવી હતી જેના લીધે સેરેના વિલિયમ્સ ખુબ જ લાલઘૂમ દેખાઈ હતી. ૨૦૧૭માં પોતાની પુત્રીને જન્મ આપ્યા બાદ સેરેના વિલિયમ્સ પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતવાના પ્રયાસ કરી રહી છે. ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે તે મેદાનમાં ઉતરી હતી પરંતુ તેની હાર થઇ હતી. જાપાની ખેલાડી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. આગામી દિવસોમાં જાપાનની આ ખેલાડી મહિલા ટેનિસમાં નવા રેકોર્ડ સર્જે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. ઓસાકા યુએસ ઓપનમાં કિલર તરીકે ઉભરી હતી.