યુએસ ઓપનમાં ઓસાકાની ચોથા દોરમાં સરળ કુચ રહી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ન્યુયોર્ક : ન્યુયોર્કમાં રમાઈ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં પ્રથમ ક્રમાકિંત ખેલાડી નાઓમી ઓસાકાએ અમેરિકાની ઉભરતી સ્ટાર ગોફ પર જીત મેળવીને ચોથા રાઉન્ડમાં આગેકુચ કરી હતી. ઓસાકાએ આ મેચ ગોફ પર ૬-૩, ૬-૦થી જીતી લીધી હતી. ગોફે રમત નબળી રમી હતી. પરંતુ મેદાનમાં ઉપસ્થિત તમામ ચાહકોના મન જીતી લીધા હતા. પુરૂષોના વર્ગમાં પણ મોટા ભાગે કોઇ મોટા અપસેટ ત્રીજા રાઉન્ડમાં સર્જાયા ન હતા.

૧૩માં ક્રમાંકિત મોનફિલ્સે ડેનિસ પર રોમાંચક મેચમાં જીત મેળવી હતી. જ્યારે જર્મનીના ઝ્વેરેવે બેડેન પર જીત મેળવી ચોથા રાઉન્ડમાં કુચ કરી હતી. જહોન ઇસનરે પણ પોતાના હરિફ ખેલાડી પર જીત મેળવી હતી. સ્પેનના રાફેલ નડાલે પણ પોતાના હરિફ ખેલાડી પર સીધા સેટોમાં જીત મેળવી ચોથા રાઉન્ડમાં કુચ કરી હતી. વર્તમાન ચેમ્પિયન નોવાજક જાકોવિક સિગલ્સ તાજને જાળવી રાખવા માટે તૈયાર છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની  સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે.

આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અનેફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે. આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક  પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે. યુએસ ઓપનમાં પુરૂષોના વર્ગમાં નોવાક જાકોવિક હાલમાં હોટફેવરીટ દેખાઇ રહ્યો છે.યુએસ ઓપનમાં શરૂઆતી રાઉન્ડમાં મોટા અપસેટ સર્જાયા હતા.

Share This Article