ઓડિશાના બ્રહ્મપુર જિલ્લામાં એક સરકારી એન્જિનિયરિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આરોપ છે કે આ તમામ વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં બીફ રાંધતા હતા, જ્યારે કેમ્પસમાં બીફ રાંધવા પર પ્રતિબંધ છે. સમગ્ર મામલો પારલા મહારાજા એન્જિનિયરિંગ કોલેજનો છે. અહીંના અધિકારીઓએ ગુરુવારે એક આદેશ જારી કરીને વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશમાં, કોલેજ પ્રશાસને કહ્યું કે હોસ્ટેલના સાત વિદ્યાર્થીઓને પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢવામાં આવ્યા છે. આ સાત વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પર 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કોલેજ પ્રશાસને સમગ્ર મામલાની જાણકારી વિદ્યાર્થીઓના વાલીઓને પણ આપી દીધી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેસ્ટિકેટ વિદ્યાર્થીઓએ બુધવારે તેમની કોલેજ હોસ્ટેલના રૂમમાં બીફ રાંધ્યું હતું, જે સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન છે કારણ કે કોલેજના નિયમો અનુસાર કેમ્પસમાં બીફ રાંધવા પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે અમને કોલેજના વિદ્યાર્થીઓની આ કાર્યવાહીના સમાચાર મળ્યા, ત્યારપછી આ મામલાની તપાસ કરવામાં આવી અને દોષિત વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હોસ્ટેલમાં બીફ રાંધતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્થિતિને જોતા કોલેજ કેમ્પસ અને હોસ્ટેલ પાસે પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ સાતેય વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમના વાલીઓને આ મામલે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.