ઉપલેટા સ્કૂલમાં પાર્સલ બોંબ મોકલનાર આરોપી ઝડપાયો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ:  ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં બે દિવસ પહેલા પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી નાથાભાઇરવજીભાઇ ડોબરીયા (ઉ.૬૮)ને  પોલીસે ઝડપી પાડ્‌યો છે. ઝડપાયેલા શખ્સે પોલીસને કબૂલાત આપી હતી કે, મકાનના રૂપિયાની લેતી દેતીમાં વાંધો પડ્‌યો હોવાથી સ્કૂલના ટ્રસ્ટીને પરિવાર સાથે ઉડાવી દેવાનો પ્લાન ઘડ્‌યો હતો. રાજકોટ રૂરલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ ચીજવસ્તુઓ કબ્જે કરી છે. અગાઉ આ જ શખ્સે બોમ્બથી બે વ્યક્તિને ઉડાવી દીધા હતા. આરોપીની ધરપકડ બાદ એ વાતનો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ઉપલેટામાં પાર્સલ બોમ્બનો માસ્ટર માઇન્ડ પટેલ વૃદ્ધ નાથાભાઇ રવજીભાઇ ડોબરીયા (ઉ.૬૮)એ ૧૯૯૯ની સાલમાં આ મોડેસ ઓપરેન્ડી મારફતે કરેલા બોમ્બ બ્લાસ્ટમાં બે વ્યકિતના મોત થયા હતા તેનો પણ ભેદ ઉકેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, સને ૨૦૦૬માં આરોપીએ ફરિયાદીને એક મકાન વેચ્યું હતું. જેમાં પૈસાની લેતીદેતી મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. જેનાથી ત્રાસીને ફરિયાદીને વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનું નક્કી કર્યું હતું. શંકા ન જાય તે માટે રાજકોટથી કુરિયર કરવાને બદલે અમરેલી જઇને ત્યાંથી કુરિયર કર્યું હતું. આરોપી પાસેથી ટ્રાવેલીંગ બેગ, બ્લુ કલરની પોલીથીન, એક જાડી કપડા, બુટ, ચશ્મા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી હતી. આરોપી નાથાભાઇને ૧૯૯૮-૧૯૯૯માં પિતાની જમીન બાબતે ગીરીશભાઈ લખમણભાઈ સોજીત્રા તથા રતિલાલ જીવાભાઈ પાદરિયા સાથે તકરાર થતા આવી જ રીતે ગિફ્‌ટ પાર્સલ બનાવી રૂબરૂ આપ્યું હતું. જેમાં બોમ્બ બ્લાસ્ટમાં ઉપરોક્ત બંનેના મોત નીપજ્યા હતા, તથા અન્ય એક વ્યક્તિ બટુકભાઈ મુરાણીને ઇજા થઈ હતી. આ વણઉકલ્યો ગુનો પણ આરોપીએ કબૂલ્યો હતો. નાથાભાઇએ પોતાના ઘરે જ ૩ મહિના સુધી ઘરે જાતે બોમ્બ બનાવ્યો હતો. ઘરના સભ્યોથી છુપાવી બોમ્બ બનાવવામાં આવ્યો હતો. તે છાને ખૂણે બોમ્બ બનાવતો હતો. આ બોમ્બની તીવ્રતા એટલી હતી કે તેમાં ૮ જીલેટિન, ૯ ડિટોનેટર હતા. જો આ બોમ્બ ફૂટ્યો હોત તો આખો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો હોત. ૧૯૯૮-૯૯ વખતે બોમ્બ બનાવાયો હતો તેમાં ૪ ડિટોનેટર ફીટ કર્યા હતા. જેમાં બેના મોત થયા હતા. ઉપલેટા ક્રિષ્ના સ્કૂલના સંચાલક વલ્લભ ડોબરીયા નામથી નાથાભાઇએ પાર્સલ બોમ્બ મોકલ્યો હતો.

પાર્સલ પર એવું લખ્યું હતું કે, પરિવાર સાથે મળીને ગિફ્‌ટ ખોલજો. જો વલ્લભભાઇએ પરિવાર સાથે આ પાર્સલ ખોલ્યું હોત તો આખો પરિવાર મોતને ઘાટ ઉતરી જાત. અમરેલીની આંગડિયા પેઢીના સીસીટીવીના આધારે આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસથી બચવા માટે નાથાભાઇએ રાજકોટને બદલે અમરેલીથી બોમ્બનું પાર્સલ મોકલ્યું હતું.પાર્સલ ઉપર રહેલા કવરની વિગત મુજબ આ પાર્સલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મોકલ્યુ હતું. જેની સાથેના કવરમાં પત્ર હતો. જેમા લખેલું હતું કે મને દિલ્હીમાં સારી પોસ્ટ મળી ગઇ છે. આ પાર્સલમાં એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તે દિવસમાં ત્રણવાર રંગ બદલે છે અને એક ચેક આપને મોકલું છું. મારો જન્મ દિવસ ૧૪-૧૦ અને ટાઇમ ૬-૨૦ હોઇ આ પાર્સલ રવિવારે સાંજના ૬-૨૦ કલાકે તમારા સમગ્ર પરિવાર સાથે મળીને ખોલજો અને તમારા પુત્રના હાથે ખોલાવજો. જેને પગલે પ્રો ડોબરિયાએ પાર્સલ ઓફિસમાં રાખી દીધુ હતું. રવિવારના આ પાર્સલ ખોલવાનું હતું. પ્રો ડોબરીયાના કહેવા મુજબ તેઓ પાર્સલ ખોલતા ભૂલી ગયા હતા. મંગળવારે સાંજે તેમને આ પાર્સલ ખોલવાનું યાદ આવ્યું હતું. પાર્સલ હાથમાં લેતા તેમને શંકા ઉપજી હતી અને ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભેદી પાર્સલની જાણ થતાં ઉપલેટા પી.આઈ પલ્લાચાર્ય તથા પોલીસ ટીમ ક્રિષ્ના શૈક્ષણિક સ્કૂલ ખાતે દોડી ગઇ હતી. પાર્સલ જોતા શંકા જતા સંસ્થાથી દૂર ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈને સલામત જગ્યાએ ખોલતા તેમા પાર્સલ બોમ્બ હોવાની જાણ થઇ હતી. આ બનાવની જાણ એસપી તથા આઈજીને થતા મંગળવાર રાત્રે આર.આર. સેલ અને એલસીબીની ટીમ, એફએસએલની ટીમ તથા જુનાગઢ બોમ્બ ડીફ્યુઝલ કરી શકે તેવા નિષ્ણાંતોની ટીમ બોલાવી હતી અને એફ.એસ.એલ.ની ટીમ અને બોમ્બ સ્કવોડે આવીને આ બોમ્બ નિષ્ક્રિય બનાવ્યો હતો.

Share This Article