લખનૌ : વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પર તેના સાથી પક્ષોએ સતત દબાણ લાવવા માટેની રણનિતી અપનાવી છે. આના ભાગરૂપે જ હવે ઉત્તરપ્રદેશમાં ભાજપના સાથી પક્ષ અપના દળે પણ આજ રણનિતી અપનાવી છે. અપના દળે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટ વારાણસી ઉપરાંત અન્ય નવ લોકસભા સીટ પર દાવેદારી કરી દીધી છે. વારાણસી સીટ પર દાવેદારી કરવામાં આવ્યા બાદ અપના દળે મોદી સરકારની અને ભાજપની મુશ્કેલ વધારી દીધી છે. આ ઉપરાંત તે નવ લોકસભા સીટ પર દાવેદારી કરીને રાજકીય ગરમી વધારી દીધી છે.
વર્ષ ૨૦૧૪માં અપના દળે બે સીટો મિર્ઝાપુર અને પ્રતાપગઢમાં ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર જીત મેળવી હતી. અપના દળની દાવેદારી એવા સમય પર આવી છે જ્યારે ભાજપે તેની રણનિતી તૈયાર કરી લીધી છે. અપના દળના વડા આશીશ સિહ પટેલે કહ્યુ છે કે પાર્ટીએ વર્ષ ૨૦૧૪ બાદ તેની સ્થિતી ખુબ મજબુત કરી છે. જેથી તેમની પાર્ટી વધારે સીટ પર ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. તેમણે કહ્યુ હતુ કે અમે ૧૦ લોકસભા સીટ પર ચૂંટણીની તૈયારી શરૂ કરી ચુક્યા છીએ.
જેમાં વારાણસી સીટ પણ સામેલ છે. અ૬ે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪માં અપના દળે ભાજપની સાથે જોડાણ કરીને ચૂંટણી લડી હતી. બે સીટો પર ચૂંટણી લડી હતી. બંને પર તેની જીત થઇ હતી. મિર્જાપુરમાં અનુપ્રિયા પટેલની જીત થઇ હતી. પ્રતાપગઢમાંથી કુંવર હરિવંશ સિંહ સંસદમાં પહોંચી ગયા હતા. આ વખતે અપના દળ દ્વારા વારાણસી, ફુલપુર, ડુમરિયામાં પણ દાવેદારી કરવામાં આવી રહી છે. ભાજપે ચૂંટણી તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ૧૧-૧૨ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય અધિવેશનની બેઠક બોલાવી છે. અપના દળે સાતમી જાન્યુઆરીના દિવસે બેઠક બોલાવી છે. જેમાં ગઠબંધનના મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે.