અમેઠી : લોકસભા ચૂંટણીથી પહેલા પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં ઉતારવાના મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, અમે બેકફુટ ઉપર નહીં બલ્કે ફ્રન્ટફુટ ઉપર રમવા માંગીએ છીએ. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની વિચારધારાને જાળવી રાખવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવશે. રાહુલ ગાંધી હાલમાં પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા છે. અમેઠી પહોંચતા પહેલા જ તેઓએ મોટો દાવ રમ્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલે સપા અને બસપાની સાથે વાતચીતની તકો ખુલ્લી રાખવાની વાત કરી હતી અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, માયાવતી અને અખિલેશ સાથે તેમની કોઇપણ પ્રકારની દુશ્મની નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ વ્યક્તિગતરીતે ખુશ છે કે, તેમની બહેન પ્રિયંકા જે પોતે ખુબ સક્ષમ છે તે હવે તેમની સાથે કામ કરશે.
મોટુ પગલું લેવા પાછળ હેતુ એ છે કે, અમે બેકફુટ ઉપર નહીં બલ્કે ફ્રન્ટફુટ ઉપર રમવા માંગીએ છીએ. પ્રિયંકા ચૂંટણી લડશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યં હતું કે, આ બાબત તેમના ઉપર આધારિત છે. પ્રિયંકા અને જ્યોતિરાદિત્યને બે મહિના માટે જ ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવ્યા નથી. કોંગ્રેસની જે વિચારધારા છે તેને ઉત્તરપ્રદેશમાં ફરીથી મજબૂત બનાવવા માટે કહેવામાં આવ્યું છે. રાહુલે કહ્યું છે કે, માયાવતી અને અખિલેશે કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ કર્યા નથી.
આ તેમનો નિર્ણય છે પરંતુ તેમના મનમાં તેમના માટે સન્માન છે. અમે ત્રણેય ભાજપને હરાવવા માટે લડી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, માયાવતી, અખિલેશ અને અમારી વિચારધારામાં સમાનતા રહેલી છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સહકાર લેવામાં આવશે. રાહુલે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની જગ્યા બનાવવા માટેનું કામ અમારુ છે. આજ હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે. બસપની સરકાર અને સપાને લઇને અમને કોઇપણ વાંધો નથી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીનો નિર્ણય કર્યો છે.