અમદાવાદ : ભરઉનાળે વરસાદ.. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે (4 મે, 2025) રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સોમવારે ગુજરાતભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદનું વાતાવરણ અચાનક પલટાયું છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે અને છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની સાથે કરા પડ્યા છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ, કેરી, ટેટી સહિતના પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો છે. જેમાં સોમવારે (5 મે, 2025) અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. હવામાનની આગાહીને પગલે જાણે વાવાઝોડું જેવી સ્થિતિ ઊભી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે શહેરના વટવા, મણિનગર, ઇસનપુર, એસજી હાઈવે, નારણપુરા, ઈસ્કોન સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી હોવાનું સામે આવ્યું છે.
તેમજ અમદાવાદના વાતાવરણમાં આજે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે 63 ટકા, બુધવારે 70 ટકા, ગુરૂવારે 43 ટકા, શુક્રવાર-શનિવારે 40 ટકા જેટલી વરસાદની સંભાવના છે.
ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘગર્જના અને કરા સાથે કમોસમી વરસાદ થતાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ખેડાના અનેક વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાથી વાહન વ્યવહારને અસર પહોંચી છે.