તાજેતરમાં જ કરવામાં આવેલા મલ્ટીનેશનલ સર્વેમાં ધડાકો કરવામાં આવ્યો છે કે વિશ્વભરમાં મોટાભાગના યુવાનો બિનસુરક્ષિત સેક્સ માણે છે. ગર્ભ નિરોધક વિકલ્પોનો ઉપયોગ ઓછો કરે છે. આ સર્વેમાં અન્ય ઘણી ચોંકાવનારી બાબતો આજે સવારે જાહેર કરવામાં આવી હતી. વર્લ્ડ કોન્ટ્રાસેપ્સન ડે (ડબલ્યુસીડી) માટે તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં યુવાનો બિન સુરક્ષિત સેક્સ સાથે ટેવાયેલા છે. અહેવાલ મુજબ નવા પાર્ટનર સાથે બિન સુરક્ષિત સેક્સ માણનાર યુવાનોની સંખ્યામાં ફ્રાંન્સમાં ૧૧૧ ટકાનો વધારો થયો છે. જ્યારે બ્રિટનમાં ૧૯ ટકા અને અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૯ ટકાનો વધારો થયો છે. આનો મતલબ એ થયો કે બિનસુરક્ષિત સેક્સને લઈને યુવાનો સાવધાન ચોક્કસપણે છે પરંતુ બિનસુરક્ષિત સેક્સને વધારે મહત્વ આપે છે.
અભ્યાસના પરિણામોની સાથે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના તમામ દેશોને યુવાનોમાં ટ્રેન્ડ એક સમાન રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે બિન સુરક્ષિત સેક્સ મામલે જાગૃતિ જગાવાની જરૂર છે. જ્યારે પણ યુવાનોને કોન્ટ્રાસેપ્ટિવ માહિતી અને સેવા આપવામાં આવે છે ત્યારે લોકો મોટાભાગે આને ગંભીરતાથી લેતા નથી. અગિયાર આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થાઓને આવરી લઈને આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન ચીલી, પોલેન્ડ, ચીન સહિત ૨૬ દેશોના ૬,૦૦૦થી વધુ લોકોને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સેક્સ અને કોન્ટ્રાસેપ્ટિવ મામલે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. યુરોપમાં માત્ર અડધા લોકોએ જ સ્કૂલોથી સેક્સ શિક્ષણ મેળવ્યું હતું. લેટિન અમેરિકા, એશિયા, પેસિફિક અને અમેરિકામાં આ આંકડો અલગ પ્રકારનો છે. આ સર્વેના તારણો તમામને ચોંકાવે તે પ્રકારના છે.