ઉન્નાવ: સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની મુશ્કેલી હવે વધી ગઈ છે. રાયબરેલીના ગુરબખ્શગંજમાં એક ટ્રકે પીડિતાની કારને ટક્કર મારવાના મામલામાં તેમની સામે હત્યા, હત્યાના પ્રયાસ અને અપરાધિક કાવતરા જેવી કલમો ઉમેરીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. રવિવારના દિવસે ટ્રકની અડફેટમાં કાર આવી જતાં બેના મોત થયા હતા અને પીડિતા ગંભીરરીતે ઘાયલ થઇ હતી જે હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
ટ્રકની અડફેટે કાર આવી જવાને લઇને ભારે હોબાળો મચી ગયો છે. ભારે દબાણ બાદ વહીવટીતંત્રએ હવે આ મામલામાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને ઉન્નાવ ૨૦-૨૫ અન્યોની સામે હત્યા, હત્યાના પ્રયાસ અને અપરાધિક કાવતરા જેવી કલમો ઉમેરીને કેસ દાખલ કર્યો છે. કુલદીપસિંહ સેંગર ઉપરાંત જે લોકો ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં તેમના ભાઈ મનોજસિંહ સેંગરનો સમાવેશ થાય છે. રેપ અને પીડિતાના પિતાને માર મારવાનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ કુલદીપસિંહ સેંગર અને તેમના નાના ભાઈ અતુલસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મનોજસિંહ સેંગર ઉપર આ મામલા સાથે સંબંધ નહીં હોવાના કારણે તે બહાર હતા. રાયબરેલીમાં રવિવારના દિવસે ઘટના બાદ તેઓ પણ લપેટામાં આવી ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા કુલદીપસિંહ સેંગરે બાંગરમઉથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.
૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં સેંગરે ઉન્નાવની ભગવંતનગર સીટ પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. કુલદીપસિંહ સેંગરે પોતાની રાજકીય કેરિયરની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી. ૨૦૦૨માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલદીપસિંહ કોંગ્રેસ સાથે છેડો ફાડીને બહુજન સમાજ પાર્ટીમાં જતા રહ્યા હતા. ત્યારબાદ કુલદીપે ચૂંટણી મેદાનમં કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હાર આપી હતી. બાહુબલી તરીકેની છાપ ઉભી થયા બાદ ૨૦૧૭થી પહેલા માયાવતીએ પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરી દીધી હતી ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સેંગરની મુશ્કેલી હવે જોરદારરીતે વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, તેમની સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. અકસ્માતને લઇને ભાજપના સાંસદોએ દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, હજુ આ મામલામાં કોઇપણ વાત સ્પષ્ટપણે કરી શકાય નહીં. પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે, આ દુખદ બાબત છે. દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસે કહ્યું છે કે, જો કોઇ કાવતરું છે તો તેમાં તપાસ થવી જોઇએ તેમાં કોઇ રાજનીતિ થવી જાઇએ નહી.