લખનૌ : ઉત્તરપ્રદેશના ચર્ચાસ્પદ ઉન્નાવ ગેંગરેપ કેસમાં પિડિતાને ગંભીર માર્ગ અકસ્માત નડ્યા બાદ હાલમાં તેની હાલત ખરાબ છે. ગઇકાલે અકસ્માત થયા બાદ આમાં પિડિતાની કાકી અને અન્ય એક સંબંધીના મોત થયા હતા. તેમના વકીલની પણ હાલત ગંભીર જણાવવામા ંઆવી છે. બીજી બાજુ હવે મુખ્યપ્રધાન યોદી આદિત્યનાથ આ કેસમાં સીબીઆઇ દ્વારા તપાસ માટે તૈયાર થઇ ગયા છે. કેસમાં કાવતરામાં સીબીઆઇની ટીમ હવે તપાસ કરનાર છે.
બસપના નેતા માયાવતીએ સરકાર પર પ્રહારો કર્યા છે. આ ગેંગ રેપ કેસમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર મુખ્ય આરોપી તરીકે છે. આવી સ્થિતીમાં આ દુર્ઘટનામાં કોઇ કાવતરાની શંકા વ્યક્ત કરીને વિપક્ષ દ્વારા સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી છે. હકીકતમાં આ બાબત પહેલી વખત બની નથી. આ પહેલા પણ પિડિત પરિવારના સભ્યો જુદા જુદા સમય પર કેટલાક અકસ્માતોનો શિકાર થઇ ચુક્યા છે. તમામ અકસ્માતો પોતાની પાછળ સવાલ છોડીને ગયા છે. જેથી હવે આ મામલે સીબીઆઇ તપાસની માંગ ઉઠી રહી છે. ઉન્નાવ ગેંગ રેપ કેસમાં પિડિતા લાંબા સમયથી ન્યાય મેળવી લેવા માટે લડાઇ લડી રહી છે. અનેક ફરિયાદો કરવામાં આવ્યા બાદ પોલીસ મામલામાં ઉદાસીનતા રાખી રહી હતી.
ધારાસભ્ય સેંગરની મુશ્કેલી વધેલી છે. પિડિતા દ્વારા મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ કાર્યવાહી ઝડપી કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં ત્યારબાદ ઝડપી તપાસનો દોર શરૂ થયો હતો. અંતે સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા કઠોર વલણ અપનાવ્યા બાદ સીબીઆઇ દ્વારા તપાસ વધારે ઝડપી કરવામાં આવી હતી. પિડિતાએ વર્ષ ૨૦૧૭માં ઉન્નાવના ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સામે રેપનો આરોપ કર્યો હતો. આ મામલામાં સેંગરની ધરપકડ કરવામા ંઆવ્યા બાદ પિડિતાના પરિવારના સભ્યોની મુશ્કેલી વધી ગઇ હતી.