ઉન્નાવ : ઉત્તરપ્રદેશના ચર્ચાસ્પદ ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિતાની કાર સાથે ટ્રકની ભયાનક ટક્કર ખરેખર કોઇ દુર્ઘટના હતી કે પછી કાવતરાના ભાગરુપે જાણી જાઇને કારને ટક્કર મારવામાં આવી હતી તેને લઇને ઉત્તરપ્રદેશ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. લખનૌ રેંજના એડીસી રાજીવ કૃષ્ણએ આજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, રાયબરેલીની જેલમાં બંધ રહેલા પીડિતાના કાકા તરફથી માહિતી આપવામાં આવી હતી જેના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ટ્રકના ડ્રાઇવર, માલિક અને ક્લીનરની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી ચુકી છે. પોલીસની આ બાબત સાથે પણ તપાસ ચાલી રહી છે કે, અકસ્માતથી પહેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અથવા તો તેમના સમર્થકોની ટ્રક સાથે જાડાયેલા ત્રણેય અપરાધીઓ પૈકી કોઇની સાથે વાતચીત થઇ હતી કે કેમ. ફોરેન્સિક ટીમ પણ તપાસના ભાગરુપે ઘટનાસ્થળે પહોંચી ચુકી છે.
એડીજી લખનૌ રાજીવ કૃષ્ણએ માહિતી આપતા કહ્યું છે કે, આ કોઇ અકસ્માત હતો કે પછી કાવતરાના ભાગરુપે અકસ્માત કરવામાં આવ્યો હતો તેનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે. મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યા છે જ્યારે ઘાયલોની સારવાર લખનૌમાં ચાલી રહી છે. એડીજીનું કહેવું છે કે, પીડિતોની સારવાર માટે દરેક ખર્ચને સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. ફોરેન્સિક ટીમ સાક્ષીઓના નિવેદન અને ટાયરોના નિશાન લઇને તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમ લખનૌ સ્થિત કેજીએનયુ ખાતે પહોચી ચુકી છે જ્યા પીડિતાની સારવાર ચાલી રહી છે. યુવતી સાથે ગેંગરેપના મામલામાં તપાસ પહેલાથી જ ચાલી રહી છે. એડીજીનું કહેવુંછે કે, જેલમાં રહેલા પીડિતાના કાકા તરફથી માહિતી મોકલવામાં આવી હતી. પોલીસ તેમના આધાર ઉપર જ કેસ નોંધી રહી છે. આ કેસ રાયબરેલીમાં કરવામાં આવી રહ્યો છે. પીડિતાના પરિવાર તરફથી એક પ્રાર્થનાપત્ર પણ આપવામાં આવ્યો છે જેમાં આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. એડીજીએ રવિવારના દિવસે જીવલેણ અકસ્માતના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું હતું કે, પીડિતાની કારની ટક્કર અને ટ્રક આમને સામને ટકરાઈ હતી.
ટ્રકના ડ્રાઇવર, માલિક અને ક્લીનરની ધરપકડ કરી લેવામાં આવી છે. ટ્રક બાંદાથી રાત્રે એક વાગે મોરંગ લઇને રાયબરેલી માટે રવાના થયો હતો. સવારે ૧૦ વાગે ટ્રક ડ્રાઇવરે રાયબરેલીમાં પલ્ટી મારી દીધી હતી તે વખતે વરસાદ પડી રહ્યો હતો. એડીજીએ કહ્યું હતું કે, ટ્રકના નંબર પ્લેટને છુપાવવાને લઇને ટ્રક માલિકની પુછપરછ કરવામાં આવી રહી છે. ટ્રક માલિકનું કહેવું છે કે, ટ્રક ફાઈનાન્સ પર છે તેમની પેમેન્ટ કરવામાં આવી નથી. ફાઈનાન્સ વાળાથી બચવા માટે ટ્રકના નંબર ઢાંકીને રાખવામાં આવ્યા હતા. એડીજીએ કહ્યું હતું કે, અકસ્માતમાં પીડિતાની સાથે રહેલી તેની કાકી સીબીઆઈના સાક્ષી તરીકે હતી જેમનું મોત થયું છે. કોલ ડિટેઇલ અને અન્ય તમામ મામલાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.