નવીદિલ્હી : વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામની ડીએમકેના અધ્યક્ષ એમકે સ્ટાલિને નાટ્યાત્મકરીતે જાહેરાત કર્યા બાદ વિપક્ષી એકતામાં મોટા ગાબડા પડવાની શરૂઆત થઇ ગઇ છે. મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમુલ કોંગ્રેસે સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો છે. ટીએમસીનું કહેવું છે કે, હાલમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઈની જાહેરાત કરવાથી વિપક્ષી દળોમાં એકતા ભાંગી પડશે. વિપક્ષી દળોમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ જશે.
ટીએમસીનું કહેવું છે કે, રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરીને ડીએમકેએ અયોગ્ય વલણ અપનાવ્યું છે અને આ બાબત હાલમાં દર્શાવવાની જરૂર ન હતી. બીજી બાજુ આ મુદ્દે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મૌનને પણ રાહુલ ગાંધી માટે ચિંતાજનક ગણવામાં આવે છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે, રાહુલ ગાંધીને હજુ પણ વિવિધ પક્ષો પોતાના નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. આને લઇને બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ મૌન જાળવીને કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી છે. નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ છે કે અમારી પાર્ટી માને છે કે આ પ્રકારની જાહેરાતથી ખોટા સંદેશ જશે.
પીએમ પદના ઉમેદવાર પર નિર્ણય લોકસભા ચૂંટણી બાદ કરવામાં આવે તે જરૂરી છે. સમય પહેલા આ જાહેરાત કરવાથી વિરોધ પક્ષોમાં ભંગાણની સ્થિતી સર્જાઇ જશે. ડીએમકેના નિર્ણય સામે અન્ય વિરોધ પક્ષો દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સ્ટાલીન જ્યારે રાહુલ ગાંધીના નામની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુ આને જાઇ રહ્યા હતા. આગામી દિવસોમાં સ્ટાલીનની જાહેરાતના કારણે મોટી સમસ્યા સર્જાઇ શકે છે. મહાગઠબંધનના પ્રયાસને ફટકો પડી શકે છે. હજુ પણ રાહુલને નેતા તરીકે સ્વીકાર કરવા દિગ્ગજા તૈયાર નથી.