દેશના હિત સાથે જોડાયેલા કોઇ પણ મુદ્દા પર રાજનીતિ કરવાની બાબત દેશને નુકસાન કરી શકે છે. આ બાબત અમારી લોકશાહીની ઓળખ પણ રહી છે. પરંતુ કાશ્મીરને લઇને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીના નવેસરના નિવેદનના કારણે જે નિવેદનબાજી શરૂ થઇ છે તેનાથી લાગે છે કે રાજકીય પક્ષો લોકશાહીના મુલ્યોની વિરુદ્ધમાં કામ કરવા માટે લાગેલા છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તેઓ કેટલાક મુદ્દા પર સરકાર સાથે સહમત નથી.
પરંતુ તેઓ એક બાબત સ્પષ્ટ કરી દેવા માંગે છે કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાન અથવા તો દુનિયાના કોઇ દેશ માટે તેમાં દરમિયાનગીરી કરવા માટે કોઇ જગ્યા નથી. આશા તો એમ જ કરવામાં આવે છે કે રાહુલ ગાંધીની સાથે સાથે પક્ષ અને પ્રતિપક્ષના નેતાઓ દેશ હિત સાથે જોડાયેલા મામલામાં કોઇ નિવેદનબાજી ન કરે. સાથે સાથે એકતાને દર્શાવે. પરંતુ આ બાબત શક્ય દેખાતી નથી. ચર્ચાનો વિષય તો હવે એ બની ગયો છે કે રાહુલ ગાંધીએ આ નિવેદન મનથી કર્યુ છે કે પછી દબાણમાં આવીને આ નિવેદન કર્યુ છે. રાહુલ ગાંધી તો અહીં સુધી કહી ચુક્યા છે કે જમ્મુ કાશ્મીરમાં જે હિંસા થઇ રહી છે તે પાકિસ્તાન પ્રાયોજિત હિંસા તરીકે છે. પાકિસ્તાન સમગ્ર દુનિયામાં ત્રાસવાદના સમર્થક દેશ તરીકે કુખ્યાત છે. રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય પ્રધાનો દ્વારા તેમની પ્રતિક્રિયા આપી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીની જ્યારે સમગ્ર દેશમાં ટિકા થવા લાગી ગઇ ત્યારે રાહુલે પોતાના નિવેદનથી ગુલાંટ મારીને હવે યોગ્ય નિવેદન કર્યુ છે. જાવડેકરે આરોપ કરતા કહ્યુ છે કે રાહુલ ગાંધીનુ નિવેદન મનથી નહીં બલ્કે દબાણમાં આવ્યુ છે.
કારણ કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સામે આ નિવેદનોનો ઉપયોગ કરી રહ્યુ છે. પાકિસ્તાનમાં રાહુલ ગાંધીના નિવેદનને આધાર બનાવીને ભારત પર પ્રહાર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જા કે કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં જે અપીલ કરવામાં આવી છે તેમાં રાહુલ ગાંધીનુ નામ ખોટી રીતે ખોટી બાબતોને સાચી રજૂ કરવાના પાકિસ્તાનના કાવતરા તરીકે છે.
કોંગ્રેસે પાકિસ્તાનને સલાહ પણ આપી છે કે તેને જમ્મુ કાશ્મીરની ચિંતા કરવાના બદલે દુનિયાને જવાબ આપવો જોઇએકે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર, ગિલગિટ અને બાલટિસ્તાનમાં માનવ અધિકારોનો ખુલ્લો ભંગ કેમ થઇ રહ્યો છે. નિવેદનબાજી અને આક્ષેપબાજી વચ્ચે એક પ્રશ્ન થાય છે તે એ છે કે આખરે રાહુલ ગાંધી અને કોંગ્રેસે પોતાની રચનાત્મક ટિપ્પણી આટલી મોડેથી કેમ કરી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પાકિસ્તાન પોતે ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યુ છે. આવી સ્થિતીમાં અમેરિકા અને રશિયા જેવી શક્તિએ કાશ્મીર મામલે દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરી દીધો છે તો ઇમરાન આને રાજકીય અભિયાન બનાવવા માટેના પ્રયાસમાં છે. કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના તમામ પ્રયાસો હાલમાં કરવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષોએ એવા નિવેદન કરવા જાઇએ નહીં જેના કારણે પાકિસ્તાનને કોઇ પણ રીતે ફાયદો થઇ શકે છે.