નવીદિલ્હી: ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઈએલઓ) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વર્ષ ૨૦૧૮માં ભારતમાં બેરોજગારીનો દર ૩.૫ ટકા રહેશે, જ્યારે ચીનનો બેરોજગારીનો દર ૪.૭ ટકાથી વધીને ૪.૮ ટકા થઇ જશે. જો કે, ભારતમાં ૭૭ ટકા રોજગારી કામચલાઉ રહી શકે છે, જ્યારે ચીનમાં આ સંખ્યા ૩૩ ટકાની આસપાસની છે. ૭૭ ટકા રોજગારી એવી છે જેમાં સંવેદનશીલતા વધારે રહેલી છે.
વર્લ્ડ એમ્પ્લોઇમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ ૨૦૧૮ આઈએલઓ દ્વારા જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આર્થિક વિકાસદર જોરદાર રહેનાર છે. છેલ્લા બે વર્ષના ગાળામાં ૫.૫ ટકાની આસપાસ રહી શકે છે. વર્ષ ૨૦૧૮માં ભારતમાં આર્થિક વૃદ્ધિદર ૭.૪ ટકા રહેશે. ૨૦૧૭માં આ દર ૬.૭ ટકાનો રહ્યો હતો. દક્ષિણ એશિયામાં આર્થિક પ્રવૃત્તિ વધુ ઝડપથી વધી રહી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક આઈટીસી ઇન્ટેન્સીવ સર્વિસમાં નોકરીની તકો જોરદાર રીતે સર્જાઈ રહી છે. સર્વિસ સેક્ટરમાં પણ નોકરીની તકો ભારતમાં પુરતા પ્રમાણમાં ઉભી થઇ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં સ્થિતિમાં સતત સુધારો થઇ રહ્યો છે, પરંતુ પરંપરાગત રીતે લો વેલ્યુ સર્વિસમાં પણ સ્થિતિ જોવા મળી રહી છે. રોજગારીના આ સ્વરુપ હાલમાં વધુ જોવા મળી રહ્યા છે.
બાંગ્લાદેશ, ભારત, કમ્બોડિયા અને નેપાળમાં ૯૦ ટકા વર્કરોની નોકરી સંવેદનશીલ દેખાઈ રહી છે. કન્સ્ટ્રક્શન, હોલસેલ અને રિટેલ ટ્રેડ જેવા ક્ષેત્રોમાં પણ સ્થિતિ સારી દેખાઈ રહી છે. ઇન્ફોર્મલ એમ્પ્લોઇમેન્ટની હિસ્સેદારી વધી રહી છે. ભારતમાં રોજગારીનો દર ઉંચો છે પરંતુ રોજગારી ટકાઉ મળી રહી નથી.