નવી દિલ્હીઃ બેરોજગારીને લઈને દેશભરમાં હોબાળો મચેલો છે, ત્યારે ૨૪ લાખથી વધુ જગ્યાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તરમાં હજુ સુધી ખાલી પડેલી છે. આ જ્ગ્યાઓને ભરવાને લઈને પણ વારંવાર રજુઆતો થતી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં હાલમાં જ આ અંગેની માહિતી જાહેર કરવામાં આવી હતી.
એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના આંકડા પ્રકાશિત કરાયા બાદ નવી ચર્ચા છેડાઈ ગઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સ્કુલોમાં શિક્ષકો માટેની સૌથી વધુ જગ્યાઓ ખાલી રહેલી છે. એટલે કે શિક્ષણ ક્ષેત્રમાં ૧૦.૧ લાખ જગ્યાઓ ખાલી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમો પૈકી સર્વશિક્ષા અભિયાનમાં પણ મોટાપાયે જગ્યાઓ ખાલી રહેલી છે.
શૈક્ષણિક ધારાધોરણોના અધિકાર હેઠળ ટીચર અને વિદ્યાર્થીઓ વચ્ચેના રેશિયોને જાળવવાના હેતુસર કેન્દ્ર અને રાજ્ય સ્તરમાં શિક્ષકોની મોટાપાયે ખાલી રહેલી જગ્યાઓને ભરવાના પ્રયાસો હજુ સુધી ગંભીરતાપૂર્વક હાથ ધરાયા નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ જગ્યાઓ મોટાપાયે ખાલી રહેલી છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ૨૭મી માર્ચના દિવસે બ્યુરો ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના આંકડાને ટાંકતા જણાવવામાં આવ્યું હતું કે સીવીલ અને જિલ્લા સશ† પોલીસમાં ૫.૪ લાખ જગ્યાઓ ખાલી રહેલી છે.
પોલીસ ફોર્સમાં કુલ ખાલી સંખ્યા ૫.૪ લાખ દેશભરમાં રહેલી છે. આવી જ રીતે અન્ય જુદા જુદા ક્ષેત્રોમાં પણ મોટાપાયે ખાલી જગ્યા રહેલી છે. જેમાં રેલવેમાં ૨.૪ લાખ, આંગણવાડીમાં ૨.૨ લાખ, હેલ્થ સેન્ટરમાં ૧.૫ લાખ, સશ્ત્ર દળોમાં ૬૨૦૮૪, અર્ધલશ્કરી દળમાં ૬૧૫૦૯, એમ્સમાં ૨૧૭૪૦ જગ્યાઓ રહેલી છે. ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૧૮ સુધીના આંકડા આમાં આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી કેટલાક આંકડા રાઉન્ડ ફિગરના પણ જણાવવામાં આવ્યા છે. માત્ર શિક્ષણમાં જ ૧૦ લાખથી વધુ જગ્યાઓ ખાલી રહેલી છે.
બેરોજગારીને લઈને મુદ્દો કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા જોરદાર રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે ખાલી જગ્યાઓને ભરવાને પ્રાથમિકતા આપીને ઘણી જગ્યાઓને સફળતાપૂર્વક ભરી શકાય છે અને બેરોજગારીની સમસ્યાને દુર કરવામાં સફળતા મળી શકે છે.
લોકસભા અને રાજ્યસભામાં આ અંગેના આંકડા હાલમાં જ રજુ કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોમાં પણ ખાલી જગ્યાઓને લઈને ચર્ચાઓ જાગી છે.