બેંગલોર : ગેંગસ્ટર રવિ પુજારીને દક્ષિણ આફ્રિકામાંથી પકડી લેવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગતો હવે સપાટી પર આવે તેવી શક્યતા છે. પુજારી ૨૦૦થી વધારે કેસોમાં વોન્ટેડ છે. આ ખતરનાક શખ્સ રવિ પુજારીને સેનેગલના પાટનગરમાં એક સલુનમાંથી પકડી લેવામાં આવ્યો છે. તેની ૨૧મી જાન્યુઆરીના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક વિગત ખુલે તેવી શક્યતા છે. કર્ણાટકના મુખ્યપ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે આ ગેંગસ્ટરને પકડી પાડવા માટે ખુબ સાવધાની રાખવામાં આવી હતી. સેનેગમા ત્રણ બસમાં પોલીસ પહોંચી હતી. તેને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. રવિ પુજારીની ધરપકડ કરવામાં આવતા બોલિવુડને પણ મોટી રાહત મળી ગઇ છે.
લાંબા સમયથી તે ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોને સતત ધમકી આપી રહ્યો હતો. કેટલાક પણ હુમલા પણ કરાવ્યા હતા. મુંબઇના જેસીપી આશુતોષ દુમ્બારેએ કહ્યુ છે કે તેમની પાસે ધરપકડને લઇને પાકા સમાચાર આવ્યા છે. તેમની પાસે પુરતા પુરાવા પણ છે. અમે મજબુત કેસ તૈયાર કરી રહ્યા છીએ. પુજારી માટે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી હતી. જા કે તે લાંબા સમયથી પોલીસ અને સુરક્ષા દળોને થાપ આપી રહ્યો હતો. પુજારીએઅ દક્ષિણ આફ્રિકામાં પોતાના કારોબારને જોરદાર રીતે ફેલાવ્યો છે.
કેટલાક આફ્રિકી દેશોમાં તેના રેસ્ટોરન્ટ ચાલી રહ્યા છે. જેમાં ગુયાના, બુર્કિના ફાસો અને આવિરી કોસ્ટનો સમાવેશ થાય છે. કર્ણાટક પોલીસે કહ્યુ છે કે આઇવરી કોસ્ટમાં તેના રોકાણના ગાળા દરમિયાન અમારી પાસે કેટલીક સુચના આવી હતી. ત્યારબાદ તે એકાએક ગાયબ થઇ ગયો હતો. જા કે ઇન્ટેલિજન્સ એજન્સી, ગુજરાત એટીએસ અને કર્ણાટક પોલીસ સતત આફ્રિકી દેશોના સંપર્કમાં હતી. પુજારી પર નજર રાખવામાં આવી રહી હતી. પુજારીએ સેનેગલમાં પોતાનુ નામ એન્ટોની ફર્નાન્ડિઝ રાખ્યુ હતુ.