વિશ્વમાં પ્રથમ નંબરના એવા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફાઈનલમાં જાપાનના નિશિકોરીને ૬-૩, ૬-૨થી હરાવીને ૧૧મી વખત મોન્ટે કાર્લો માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
આ સાથે ટેનિસના ઓપન એરામાં એક જ ટુર્નામેન્ટ ૧૧ વખત જીતવાની અદ્વિતિય સિદ્ધિ નડાલે પોતાના નામે કરી લીધી છે. આ ઉપરાંત મોન્ટે કાર્લો ટાઈટલની સાથે નડાલે એટીપી વર્લ્ડ રેન્કિંગમાં ૧૭૧માં સપ્તાહે પણ નંબર વનનું સ્થાન પોતાની પાસે નિશ્ચિત કરી દીધું છે. નડાલે છેલ્લા ૧૪ વર્ષમાં ૧૧મી વખત ક્લે કોર્ટની મોન્ટે કાર્લો માસ્ટર્સ ૧૦૦૦ સિરિઝ ટેનિસ ચેમ્પિયનશીપ જીતવાની સાથે સળંગ ત્રીજી વખત અહી વિજેતા બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતા.
આ ઉપરાંત તેણે ક્લે કોર્ટ પર સતત ૩૬ સેટ જીતવાનો અનોખો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ટેનિસ જગતમાં ‘રાફા’ના હૂલામણા નામે ઓળખાતા નડાલે કારકિર્દીની ૩૧મી માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતીને સૌથી વધુ માસ્ટર્સ ટુર્નામેન્ટ જીતવાના યોકોવિચનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. યોકોવિચ ૩૦ માસ્ટર્સ ટાઈટલ જીતી ચૂક્યો છે. ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા નડાલે હવે રેકોર્ડ ૧૧મી વખત ફ્રેન્ચ ઓપન જીતવા માટે પણ મજબુત દાવેદારી રજુ કરી દીધી છે.