પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. આ કાર્યક્રમ અંતર્ગત 300 નાગ એન્ટી-ટેન્ક મિસાઈલો બનાવવામાં આવી છે.
આ જમીનથી હુમલો કરનાર નાગ એન્ટી-ટેન્ક મિસાઈલનું વર્જન છે. જેને જલ્દી જ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. જેનાથી ભારતીય સેનાને દુશ્મન સામે લડવાની ક્ષમતામાં ઘણો વધારો થશે. ભારતીય સેનામાં નાગ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો અને લૉન્ચ વ્હીકલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. નાગ એન્ટી-ટેન્ક મિલાઈલ સિસ્ટમ તે પાંચ મિસાઈલ સિસ્ટમમાંથી એક છે. જેને DRDOએ 1980ના દાયકામાં વિકસિત કરવાની યોજના બનાવી હતી.
જોકે અમુક કારણોસર તે લંબાતી જ રહી. રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં 300 નાગ મિસાઈલો અને 25 નાગ મિસાઈલ કેરિયર્સ NAMICA વ્હીકલને ભારતીય સેનામાં સામેલ કરવા માટેના પ્રસ્તાવ પર વિચાર કરાશે. જેની કુલ કિંમત લગભગ પાંચ સો કરોડ રૂપિયા હશે. નાગ મિસાઈલોને NAMICAથી લોન્ચ કરવામાં આવે છે.
NAMICA વ્હીકલથી એક સમયમાં 6 મિસાઈલોને લઈ જઈ શકાય છે. આ નાગ મિસાઈલો સાતથી આઠ કિલોમીટરના અંતરે દુશ્મનના ટેન્ક અને ઈનફ્રેન્ટ્રી કોમ્બેટ વ્હીકલને તબાહ કરી શકે છે. સેનાને આવી લગભગ 3000 મિસાઈલોની જરૂર છે. જોકે સેના આ નાગ મિસાઈલોનું ફરીથી પરીક્ષણ કરશે. જો સેના પરીક્ષણ બાદ સંતુષ્ટ થશે છે તો આ મિસાઈલોના ઓર્ડર અપાશે.